ખંભાળિયામાં જલારામ જયંતીની આસ્થાભેર ઉજવણી : સમૂહ ભોજન તથા શોભાયાત્રાના કાર્યક્રમો રદ રહ્યા

0

સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૩ની જન્મ જયંતી પ્રસંગે આજરોજ સોમવારે ખંભાળિયામાં વિવિધ ધર્મમય આયોજનો કરવામાં આવ્યા હતા. ગઈકાલે મોરબીમાં સર્જાયેલી કરુણંતીકાના પગલે આજરોજ પૂજ્ય જલારામ બાપાની શોભાયાત્રા તથા રઘુવંશી જ્ઞાતિના સમૂહ ભોજનના કાર્યક્રમો રદ રાખવામાં આવ્યા હતા. આજરોજ જલારામ જયંતી નિમિત્તે ખંભાળિયાના જલારામ મંદિરને અનોખા સાજ શણગાર વડે સજવામાં આવ્યું છે. જલારામ મંદિર પરિસરમાં પૂજ્ય બહેનો દ્વારા જલારામ બાપાની તૈયાર કરવામાં આવેલી સુંદર રંગોળીએ આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે જલારામ મંદિર ખાતે નૂતન ધ્વજાઆરોહણ, અન્નકૂટ તથા મહા આરતીના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે પ્રસંગે મોટી સંખ્યામાં જલારામ ભક્તો જાેડાયા હતા. ગઈકાલે રવિવારે મોરબી ખાતે ઝુલતો પુલ તૂટી પડવાના કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યું પામતા આ દુઃખદ બનાવનાર અનુસંધાને સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને ગઈકાલે રવિવારે રાત્રે અત્રે જલારામ મંદિર ખાતે યોજવામાં આવેલી ખાસ બેઠકમાં ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટ, જલારામ મંદિર ટ્રસ્ટ વિગેરે રઘુવંશી સંસ્થાના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ખંભાળિયામાં પણ આજરોજ યોજવામાં આવેલી જલારામ બાપાની શોભાયાત્રા તથા રાત્રે યોજવામાં આવેલા રઘુવંશી જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો માટેના સમૂહ ભોજન(નાત)ના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. જાેકે, જલારામ બાપાની પ્રસાદી સૌ ભક્તોને પાર્સલ સ્વરૂપે જલારામ મંદિર ખાતેથી વિતરણ કરવાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!