ગિરનાર પરિક્રમાના ૩૬ કિ.મી.ના રૂટ ઉપર વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ

0

ગરવા ગિરનારની પરિક્રમાના પ્રારંભના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગિર અભયારણ્ય વિસ્તારમાં યોજાતી આ પરિક્રમાની તમામ પૂર્વ તૈયારીઓને વન વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે જાણકારી આપતા નાયબ વન સંરક્ષક અક્ષય જાેશી કહે છે કે, પરિક્રમાથીઓની સુવિધાઓ માટે ગિરનાર પરિક્રમાના કુલ ૩૬ કિ.મી.ના રૂટ ઉપર ૧૬ જેટલી રાવટીઓ ઉભી કરવામાં આવી છે. જે એક પ્રકારે યાત્રિકો માટે હેલ્પ સેન્ટરનું પણ કામ કરશે. અહીંયા વાયરલેસ ટોકી સાથે કર્મચારી ગણ સેવારત રહેશે. ઉપરાંત પ્રાથમિક સારવાર માટેની કીટ અને જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવશે. મેન-એનિમલ કોનફ્લીક્ટ ટાળવા માટે ટ્રેક્ટર – રેસ્ક્યુ ટીમ ૨૪ કલાક કાર્યરત રહેશે. આ માટે વન વિભાગના અન્ય ડિવિઝનમાંથી પણ સ્ટાફને પરિક્રમામાં ફરજ માટે બોલાવવામાં આવ્યો છે. તેમજ તેમને ફરજની સોંપણી પણ કરી દેવામાં આવી છે. યાત્રિકોની પરિક્રમા સુવિધાજનક રહે તે માટે ગિરનાર પરિક્રમાના કુલ ૩૬ કિ.મી.ના રૂટનું જરૂરિયાત મુજબ મરામત કાર્ય પણ પૂર્ણ કરી દેવાયું છે. આ વન વિસ્તારમાં કચરાનો ઉપદ્રવ વધે ન તે માટે ડસ્ટબિન પણ મૂકવામાં આવી છે. ઉપરાંત વન્ય સંપદા અને પ્રાણીઓને નુકસાન ન પહોંચે તે માટે પરિક્રમર્થીઓ નિર્ધારિત રૂટ બહાર ન જાય તે પણ એટલું જ આવશ્યક છે. આ સાથે જ કુદરતી જળ સ્ત્રોત દુષિત ન થાય તેની કાળજી લેવા અને પરિક્રમા દરમ્યાન પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે નાયબ વન સંરક્ષક જાેષીએ અનુરોધ કર્યો હતો. વયોવૃદ્ધ પરિક્રમાથીઓની સુવિધા માટે ઈટવા ગેટ ખાતે વન વિભાગ દ્વારા એક ટેકણ લાકડીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર સાથે પાણી, વીજળી, શૌચાલય, મેડિકલ જેવી મૂળભૂત સુવિધાઓ માટે સંકલન કરવામાં આવ્યું છે તેમ નાયબ વન સંરક્ષક અક્ષય જાેશીએ ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત બે વર્ષ કોરોના મહામારીના કારણે ગિરનાર પરિક્રમાનું આયોજન શક્ય બન્યું ન હતું. ત્યારે ફરી તા.૪-૧૧-૨૦૨૨થી આ પરિક્રમાનો પ્રારંભ થશે અને તા.૮-૧૧-૨૦૨૨ના રોજ પૂર્ણ થશે.

error: Content is protected !!