મોરબી ઝુલતા પુલની કરૂણાંતિકાને પગલે જૂનાગઢમાં જલારામ જયંતિની સાદાઈથી ભાવભેર ઉજવણી : સાંજની શોભા યાત્રા અને જલારામ ભક્તિ ધામ ખાતે ભોજન પ્રસાદ રદ

0

લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ પૂજય જલારામ બાપાની આજે રર૩મી જન્મજયંતીની જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં સાદાઈથી પરંતુ ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ગઈકાલે મોરબી ખાતે બનેલી દુર્ઘટનાનાં પગલે સાદાઈથી કાર્યક્રમો યોજાયા હતા.
જૂનાગઢમાં જલારામ મંદિરે અન્નકૂટ દર્શન
જલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતી અંતર્ગત હવેલીગલી ખાતે આવેલ જલારામ મંદિરે સ્વ. ચીમનભાઈ મથુરાદાસ રૂપારેલીયા-ગંસ્વ રેખાબેન ચીમનલાલ રૂપારેલીયા પરિવાર(ચંદન કેટરર્સ) દ્વારા અન્નકૂટ દર્શન આયોજિત અન્નકૂટ દર્શનનો સવારથી જ ભાવીકો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સવારથી શરૂ થયેલ અન્નકૂટ દર્શનનો રાત્રી સુધી ભાવિકો દર્શન કરી શકશે. જેને લઇ જલારામ મંદિર ખાતે જય જલારામનો નાદ ગુંજી ઉઠ્‌યો છે.
માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે જલારામ જયંતીની સાદાઈથી ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો
જલારામ જયંતીની ઉજવણી અંતર્ગત લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શન હેઠળ માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને લોહીના અભાવે મુશ્કેલી ન પડે તે માટે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. તો બીજી તરફ મોરબીની ઝુલતાપુલની કરૂણંતીકાને પગલે રક્તદાનની કરાયેલ અપીલને પગલે યોજવામાં આવેલ રક્તદાન શિબિરમાં વહેલી સવારથી રક્તદાતા ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત લોહાણા મહાજન સભ્યો ઉપરાંત જલારામ ભક્તો અને મહિલા મંડળો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં જલારામ બાપાની ૨૨૩ દીવડાઓની મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતીમાં મોરબીની ઝુલતા પુલની ગોઝારી ઘટનામાં મૃત્યું પામેલ સદગત આત્માને શ્રદ્ધાંજલિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ ગાયો અને પશુઓની સેવા કરતી સેવાભાવી સંસ્થાઓને દવા, ઘાસચારા અને ચણ માટે ચેક અર્પણ પ્રવૃત્તિ કરાઈ હતી. ૧૮ થી ૨૮ વર્ષની ઉંમરના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ અને બપોરે લોહાણા મહાજન અને કાર્યરત જ્ઞાતિ સંસ્થાઓના ઉપક્રમે રઘુવંશી પરિવારો માટે સમૂહ નાત ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો.
જૂનાગઢમાં સાંજે યોજાનારી શોભાયાત્રા મોકુફ
જલારામ જયંતિ ઉજવણી અંતર્ગત શહેરમાં સાંજે યોજાનારી શોભા યાત્રા મોરબીના મચ્છુ ડેમ ઉપર ઝુલતાપુલના ગોઝારા અકસ્માતની કરૂણાન્તિકાને પગલે શોભાયાત્રાનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસ રોડ ઉપરથી સાંજે જલારામ બાપાની ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ મોરબીના બનાવને લઈ શહેરમાં યોજાનારી શોભાયાત્રા મોકુફ રાખવામાં આવી છે.
જલારામ ભકિતધામ ખાતે યોજાનાર પ્રસાદ-ભોજનનો કાર્યક્રમ રદ કરાયો
જલારામ બાપાની જન્મ જયંતી અંતર્ગત ઝાંઝરડા ચોકડી ખાતે આવેલ જલારામ ભક્તિધામ ખાતે જલારામ પરિવાર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પ્રો. પી.બી. ઉનડકટના માર્ગદર્શન હેઠળ યોજાતા વિવિધ કાર્યક્રમને સાદાય પૂર્વક ઉજવણી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજે સવારે ધ્વજારોહણ, મંગળા આરતી દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોરબીના ઝુલતા પુલ ઉપર સર્જાયેલ કરૂણાન્તીકા ભર્યા બનાવમાં થયેલા મૃત્યુંને પગલે દિવંગતોના આત્માને શાંતિ મળે તેને લઈ મંદિરે હોમાત્મક યજ્ઞ દ્વારા દિવંગગતોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અન્નકૂટ દર્શન અને સાંજે ૨૨૩ દીવડાઓની સંધ્યા મહાઆરતી દ્વારા પ્રાર્થના કરવામાં આવશે. તો મોરબીના કરૂણાન્તીકા ભર્યા બનાવને લઈ જલારામ ભક્તિધામ ખાતે આજે રાત્રે યોજાનાર ભોજન પ્રસાદ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે અને ભક્તિભાવ પૂર્વક જલારામ જયંતિની ઉજવણી કરાઈ રહી છે.
મોરબી દુર્ઘટનાને પગલે વિરપુર પૂજય જલારામ બાપાની જગ્યા દ્વારા શોક વ્યકત કરાયો
મોરબી દુર્ઘટનાને પગલે વિરપુર પૂજય જલારામ બાપાની જગ્યા દ્વારા શોક વ્યકત કરવામાં આવેલ છે. તેમજ વિરપુરમાં સંત શ્રી જલારામ બાપાની રર૩મી જયંતીની સાદાઈથી ઉજવણી થઈ રહી છે. પૂજય જલારામ બાપાની શોભાયાત્રા પણ રદ કરવામાં આવેલ છે અને સાદાઈ પૂર્વક કાર્યક્રમો યોજાયા છે. જગ્યાનાં ગાદીપતિ પૂજય રઘુરામ બાપા દ્વારા કરાયેલી અપીલનાં પગલે તમામ પ્રકારનાં શણગાર કરવામાં આવ્યા નથી અને જગ્યા દ્વારા શોક વ્યકત કરવામાં આવેલ છે.

error: Content is protected !!