રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીને અનુલક્ષી પ્રતિ વર્ષ ૩૧ ઓક્ટોબરના રોજ ‘એકતા દોડ’નું આયોજન કરવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગીર સોમનાથમાં પણ ‘રાષ્ટ્રીય એકતા દોડ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મોરબીની ગોઝારી હોનારતનાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સાદગીપૂર્ણ રીતે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો હતો. સરકારી બોયઝ હાઈસ્કૂલથી શરૂ કરી રાજેન્દ્રભુવન રોડથી થઈ શ્રીમતી મણીબહેન કોટક હાઈસ્કૂલ વેરાવળ ખાતે આ ‘એકતા દોડ’ પૂર્ણ થઈ હતી. આ તકે ઉપસ્થિત તમામ નાગરિકો દ્વારા અખંડિતતા, શાંતિ, સલામતી અને ભાઈચારાના સંદેશ સાથે રાષ્ટ્રીય એકતાના શપથ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગીર સોમનાથનાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ક્રિસ્ટલ, અંકુર, સૌરભ તેમજ મણીબેન કોટક સ્કૂલના વિદ્યાર્થીઓ, આચાર્ય તેમજ રમતગમતના સીનિયર કોચ અને શિક્ષકગણ સહિત સામાન્ય નાગરિકો પણ સહભાગી થયા હતા.