જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમાનો આગામી તા.૪-૧૧-ર૦રર શુક્રવારથી શુભારંભ થયો રહ્યો છે ત્યારે આ પરિક્રમાને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. પરિક્રમા શરૂ થવાનાં આડે ગણતરીનાં કલાકો બાકી રહ્યા છે ત્યારે ભવનાથ વિસ્તારમાં બહોળી સંખ્યામાં ભાવિકો જાેવા મળી રહ્યા છે. જૂનાગઢ જીલ્લા વહિવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ પરિક્રમા સંબંધીત તેમજ અહીં આવનારા યાત્રાળુઓની સંખ્યાને ધ્યાને લઈ સુવિધાનાં પગલા અને તકેદારીનાં પગલા લેવામાં આવી રહ્યા છે.
છેલ્લા બે વર્ષથી કોરોના કાળને કારણે કોઈપણ તહેવાર સુકન પુરતા કરવામાં આવતા હતા. પરિક્રમા પણ નિર્ધારીત સંખ્યામાં ભાવિકો અને સંતોની ઉપસ્થિતિમાં યોજાતી હતી પરંતુ આ વર્ષે કોઈપણ જાતનાં અંતરાઈ કે અવરોધ ન હોય જેને કારણે બહોળી સંખ્યામાં એટલે લાખોની સંખ્યામાં પરિક્રમામાં ભાવિકો ઉમટી તેવી શકયતાને પગલે જૂનાગઢ જીલ્લા વહિવટી તંત્ર, મનપા તંત્ર, જીલ્લા પંચાયત તંત્ર, આરોગ્ય વિભાગ, વન વિભાગ, જીલ્લા પોલીસ તંત્ર સહિતનાં વિવિધ વિભાગો દ્વારા તકેદારીનાં પગલા લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ભવનાથ ગિરનાર ક્ષેત્રમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો, ઉતારા મંડળ, સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ આવનારા ભાવિકોની સુવિધા માટે તેમજ તેઓનાં માટે પ્રસાદ-ભોજનનું આયોજન કરવામાં આવી રહેલ છે. દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારો બાદ સોૈથી મોટો મેળો કે જે પાંચ-પાંચ દિવસ ચાલે તેઓ યોજાનાર હોય તો તે ગરવા ગિરનારની લીલી પરિક્રમા છે. પાંચ દિવસ ચાલનારા પરિક્રમાનાં મેળામાં દુર-દુરથી ભાવિકો ઉમટી પડતા હોય છે અને પરિક્રમાનું પુનીત ભાથુ બાંધે છે. આ પરિક્રમાને લઈને સંતોનું પણ આગમન ભવનાથ ક્ષેત્રમાં થઈ ચુકયું છે. તા.૪-૧૧-ર૦રર શુક્રવારનાં રોજ દેવ દિવાળીનાં પવિત્ર દિવસે મધ્ય રાત્રીએ પરિક્રમાનો પ્રારંભ થશે અને વિધીવત ૩૬ કિલોમીટરની પરિક્રમા યોજાશે.