દિવાળી પહેલા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયા બાદ બુટલેગરોમાં ફફડાટ ફેલાતા દારૂની હેરાફેરી બંધ ?
કેશોદ શહેર તાલુકાભરમાં દેશી-વિદેશી દારૂનું વેંચાણ થઈ રહ્યું હોય જે સાબિત કરે છે કે, દર વર્ષે જુદી-જુદી રેડો દરમ્યાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાય છે. પોલીસ રેડ દરમ્યાન દર વર્ષે ઝડપાયેલા દારૂની લાખો રૂપિયા કિંમત થતી હોય તો ન ઝડપાયેલ અને વેંચાણ થતા દારૂનો આંકડો કેવડો થતો હશે ? દર વર્ષે વિદેશી દારૂની બે થી ત્રણ મોટી રેઈડ સ્ટેટ મોનીટરીંગ સેલ, એસઓજી, એલસીબી દ્વારા કરવામાં આવે છે. જેમાં ઘણી વખત સફળતા પણ મળી છે. જ્યારે સ્થાનીક પોલીસ તંત્ર દ્વારા પણ રેડ કરવામાં આવે છે જેમાં ઓછા વધતા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાય છે. દિવાળી પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કેશોદના જીઆઈડીસી વિસ્તારમાંથી ૨૮ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ૪૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપી પાડયો હતો ત્યારથી બુટલેગરો ભુગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે એવું લાગે છે કે, પોલીસની ધાકથી બુટલેગરો ભુગર્ભમાં ઉતરી ગયા છે. જાે આવી જ ધાક કાયમી ટકી રહે તો સરાહનીય કામગીરીને લોકો જરૂર બિરદાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેશોદ શહેરમાં કેફી પીણું પીલેધી હાલતમાં રોડ ઉપર આળોટતા કે નશાની હાલતમાં લળથડીયું ખાતા નશાખોર શહેરીજનોમાં હાસ્યાસ્પદ બને છે. તાજેતરમાં નશાની હાલતમાં એક યુવકે બાઈકમાં તોડફોડ કરી હતી તે કિસ્સો પણ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આવા લોકો સામે પોલીસ કાયદાનું ભાન કરાવે તો અન્ય નશાખોરોને સબક મળે તેવી કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.