ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત ‘ચૂંટણી : સત્યનિષ્ઠાના સામુહિક પ્રયાસ તરીકે ચૂંટણી સંચાલન સંસ્થાઓની ભૂમિકા, માળખું અને ક્ષમતા’ અંગે યોજાયેલ બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદની સમાપન સભાનું ચૂંટણી કમિશ્નર અનુપચંદ્ર પાંડેની ઉપસ્થિતિમાં સમાપન થયું હતું. સમાપન સમારોહમાં ચૂંટણી કમિશ્નર અનુપચંદ્ર પાંડેએ કહ્યું કે, લોકશાહી માટે ચૂંટણીઓ ખુબ મહત્વપૂર્ણ હોય, ચૂંટણી સંચાલન સંસ્થાઓ દ્વારા ચૂંટણીઓ યોજવા અંગેની કાર્યક્ષમતાની ગુણવત્તા તેઓ સ્વતંત્રપણે પડકારોને કેવી અસરકારકતાથી પાર પાડે છે તેના ઉપર આધારિત છે. તેમણે તમામ ચૂંટણી સંચાલન સંસ્થાઓને લોકતાંત્રિક મૂલ્યો અને પ્રક્રિયાઓને વધુ સંગીન બનાવવાની તેમજ સામુહિક પ્રયાસ માટે તમામ સુસંગત પ્લેટફોર્મ્સને વેગ આપવા અનુરોધ કર્યો હતો. ચૂંટણી કમિશ્નર પાંડેએ વૈશ્વિક સ્તરે ચૂંટણી સંચાલન સંસ્થાઓને પડકારતા ધ્રુવીકરણ, લોકવિભાવનાવાદ, મતદારોની ઉદાસીનતા વગેરે જેવી સમસ્યાઓના નિવારણ માટે સંગઠિત પ્રયાસો, નિયમિત ધોરણે સામુહિક સહકાર અને નિરંતર જ્ઞાનની આપ-લે કરવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજવા માટે મતદાર યાદીનું વ્યવસ્થાપન, મતદાન વ્યવસ્થાપન, ચૂંટણી પ્રૌદ્યોગિકી, ખોટી માહિતી અને ખોટા સમાચાર ઉપર નિયંત્રણ, સાયબર સુરક્ષા અને અન્ય તમામ સંબંધિત પાસાઓ અંગે વૈશ્વિક ધોરણો અને સંચાલન કાર્યપદ્ધતિઓ વિકસાવવાની જરૂર છે. અનુપચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે, લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયાને સંગીન બનાવવા માટે લોકશાહી પરંપરાઓને વધુને વધુ ઉજાગર કરે તેવા પ્રયાસ હાથ ધરવા જાેઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ક્ષમતા નિર્માણ માટે ચૂંટણી સંચાલન સંસ્થાઓને વધુ અસરકારક રીતે સહાય કરવા માટે સહભાગી સંસ્થાઓની ભૂમિકા ફરીથી નક્કી કરવાની જરૂર છે. બે દિવસો દરમ્યાન યોજાયેલ ત્રણ સત્રોમાં વિગતવાર વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા. “ચૂંટણી સંચાલન સંસ્થાઓ સામેના વર્તમાન પડકારો” અંગેનું પ્રથમ સત્ર મોરેશિયસના ચૂંટણી કમિશ્નરના અધ્યક્ષપદે યોજાયું હતું. આ સત્રમાં મેક્સિકો, ચિલી, નેપાળ અને ગ્રીસના ચૂંટણી સત્તાધિકારીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. ચૂંટણી સંચાલન સંસ્થાઓ અને ચૂંટણી સત્તાતંત્રો દ્વારા મુક્ત, ન્યાયી, પારદર્શી અને વિશ્વસનીય ચૂંટણી માટે કરવામાં આવેલી પહેલ બદલ તેઓની પ્રસંશા કરીને સત્રનું સમાપન કર્યું હતું.