આવતીકાલે સત્તાવાર રીતે મધ્ય રાત્રીએ પરિક્રમા શરૂ થવાની છે પરંતુ ભાવિકોનો ઘસારો જાેતા આજે વહેલી સવારે ઈટવા ગેટથી હજારો શ્રધ્ધાળુઓને પ્રવેશ અપાયો
જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતેની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમામાં ભાગ લેવા માટે દુર-દુરથી ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. ભવનાથ ક્ષેત્રમાં માનવ મેરામણ ઉમટી પડયો છે. દરમ્યાન પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર, ભાવિકોની લાગણી અને ઘસારાને ધ્યાને લઈ આજે વહેલી સવારે ઈટવા ગેટથી પરિક્રમાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. ૧ લાખ કરતા વધારે ભાવિકો હાલ જંગલ વિસ્તારમાં પરિક્રમાનાં માર્ગો ઉપર પરિક્રમા માટે પદયાત્રા શરૂ કરી દીધી છે.
દર વર્ષે દેવ દિવાળીનાં દિવસથી ગિરનારની લીલી પરિક્રમા યોજવામાં આવે છે. ૩૬ કિલોમીટરની આ પરિક્રમામાં જૂનાગઢ સહિત દુર-દુરથી ભાવિકો ઉમટી પડે છે. ગિરનારજી મહારાજની પદયાત્રા કરી અને ધાર્મિક સ્થળોએ દર્શનનો લાભ લે છે અને સેવાનું પુનીત ભાથું બાંધે છે. ગિરનારની પરિક્રમાનું ખૂબ જ મહત્વ હોય, લાખોની સંખ્યામાં ભાવિકો આ પરિક્રમામાં ભાગ લેતા હોય છે. છેલ્લા બે વર્ષમાં કોરોનાનાં કાળ દરમ્યાન પરિક્રમા સીમત રહી હતી પરંતુ આ વર્ષે ઉત્સાહભેર ગિરનારની પરિક્રમા યોજાઈ રહી છે ત્યારે દુર-દુરથી ભાવિકો પોતા-પોતાનાં સંઘ સાથે આ પરિક્રમામાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે. ભવનાથ અને ગિરનાર ક્ષેત્રમાં આવેલા ધાર્મિક સ્થળો તેમજ સેવાકીય સંસ્થા અને ઉતારા મંડળ દ્વારા પરિક્રમાનાં ભાવિકો માટે પ્રસાદ-ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. જય ગિરનારી, હર ભોલેનાં નાદો વચ્ચે જંગલમાં મંગલમાં જેવું વાતાવરણ ઉભું થયું છે. દિવસ દરમ્યાન પદ યાત્રા કરી અને ભાવિકો નિર્ધારીત સમયે પોત-પોતાનાં પડાઓ ઉપર પહોંચી અને રાત્રીનાં વિસામો લેતા હોય છે અને સંતવાણી સહિતનાં કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે. ભજન, ભોજન, સેવા, ભકિત અને જંગલમાં મંગલ સાથે ગિરનારની લીલી પરિક્રમામાં આ વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા
છે.