રાજ્યમાં આગામી ડિસેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણી યોજાયનાર છે ત્યારે આ ચૂંટણીમાં પેઈડ ન્યૂઝ અને જાહેરખબરો ઉપર દેખરેખ રાખવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે કલેકટર કચેરીમાં મીડિયા મોનીટરીંગ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એમ.એ. પંડ્યાએ મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને એમ.સી.એમ.સી.ના અધ્યક્ષ એમ.એ. પંડ્યાએ ઈલેક્ટ્રોનિક મીડિયા, ટીવી ચેનલ, કેબલ નેટવર્ક ઉપર પ્રસિદ્ધ થતી રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણીકરણ અને મોનીટરીંગ વિગેરે બાબતો વિષે માર્ગદર્શન પુરૂ પાડીને જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લામાં રાજકીય પક્ષો કે દરેક ઉમેદવારો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી રાજકીય જાહેરખબરોના આગોતરા પ્રમાણિકરણ અને મીડિયા પ્રમાણીકરણ અને દેખરેખ સમિતીની રચના કરવામાં આવે છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઉપરોક્ત કમિટી કામગીરીની તૈયારીઓ વિશે જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ વિગતો મેળવી હતી. આ મુલાકાતમાં નિવાસી અધિક કલેકટર ભૂપેશ જાેટાણીયા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થા ડાંગર પણ સાથે રહ્યા હતા.