Friday, March 31

કોંગ્રેસનું ભાજપ સરકાર સામે તહોમતનામું સરકાર ખાનગી કંપનીઓને પાણીના ભાવે જમીનો આપી રહી છે : સુખરામ રાઠવા

0

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે વડોદરા ખાતે કોંગ્રેસ દ્વારા રાજ્યની ભાજપ સરકાર સામે ‘તહોમતનામું’ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ગરીબી, બેકારી, રોડ, વિકાસ સહિતના મુદ્દે આક્ષેપ કરવામાં આવ્યા છે. વડોદરામાં કોંગ્રેસના નેતા અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં વર્ષ ૨૦૨૦-૨૧માં ૧.૩૫ ટકાનો નકારાત્મક વૃદ્ધિ દર નોંધાવ્યો હતો. એલપીજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. રાજ્યનું દેવું ૪ લાખ કરોડને વટાવી ગયું છે. સરકાર ખાનગી કંપનીઓને પાણીના ભાવે જમીનો આપી રહી છે. ૧૯૯૪-૯૫માં એટલે કે કોંગ્રેસના શાસનના છેલ્લા વર્ષમાં ગુજરાતનો વૃદ્ધિ દર ૧૮ ટકા હતો. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ સર્વોચ્ચ વૃદ્ધિ દર હતો. ૧૯૮૦થી ૧૯૯૦ દરમ્યાન ગુજરાતમાં લઘુકક્ષાના ઉદ્યોગોની સંખ્યા બમણાંથી વધી ગઈ હતી અને લઘુકક્ષાના ઔદ્યોગિક એકમોની સંખ્યા ૪૨,૭૧૨ હતી તે વધીને ૧,૧૫,૩૮૪ એકમો થઈ હતી. મે-૨૦૧૪થી મે-૨૦૨૦ દરમ્યાન ભાજપ સરકારે પેટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યૂટીમાં ૩૫૦ ટકાનો (પ્રતિ લિટર રૂા.૯.૪૮થી વધારીને પ્રતિ લિટર રૂા.૩૨.૯૮) અને ડીઝલ ઉપર ૮૦૦ ટકાનો(પ્રતિ લિટર રૂા.૩.૫૬થી વધારીને પ્રતિ લિટર રૂા.૩૧.૮૩) વધારો ઝીંક્યો હતો. તેના પરિણામે યુપીએ સરકાર કરતાં ભાજપ સરકારમાં પેટ્રોલ ઉપર ટેક્સમાં ૩ ગણો અને ડીઝલ ઉપરના ટેક્સમાં ૯ ગણો વધારો ઝીંકાયો હતો. ઓગસ્ટ ૨૦૨૨માં દેશના તમામ રાજ્યોમાં ગુજરાતમાં ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો સૌથી વધુ હતો. અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂા.૪૬૦ જેટલો ધરખમ વધારો થઈ ગયો છે. આ સરકાર હેઠળ રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવ રૂા.પાંચથી વધીને રૂા.૫૦ને આંબી ગયા છે. માર્ચ ૨૦૨૨ના અંત સુધીમાં રાજ્યનું દેવું રૂા.૪ લાખ કરોડને વટાવી ગયું છે. છેલ્લા ૧૫ વર્ષમાં રાજ્યના દેવાની રકમ ત્રણ ગણી વધી ગઈ છે. ગુજરાતની ૬.૪ કરોડની વસ્તીને ધ્યાનમાં લેતા પ્રત્યેક ગુજરાતી ઉપર રૂા.૬૩ હજારનું જંગી દેવું છે. રાજ્યના મહેસૂલ ખર્ચનો ૧૬ ટકા હિસ્સો વ્યાજની ચુકવણીનો છે. રાજ્યનાં અર્થતંત્રમાં ૯.૧૯ ટકાની વૃદ્ધિ થઈ હતી, તેની સામે દેવામાં ૧૧.૪૯ ટકાનો વધારો થયો છે.

error: Content is protected !!