ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાવનગર નજીકના વરતેજ ગામે આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે “વિજય વિશ્વાસ” મહાસંમેલન યોજાયું હતું અને જંગી જાહેર સભાનું આયોજન કરાયું હતું. આ સભાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે સભાના પ્રારંભે ભાવેણાના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને યાદ કર્યા હતા અને તેમણે દેશના એકત્રીકરણ માટે પ્રથમ ભાવેણાનું રાજ દેશને સમર્પિત કર્યું હતું. જેથી આવા પ્રજા વાત્સલ્ય મહારાજા સાહેબને ભારત રત્ન એવોર્ડ મળે તે માટે જાે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટમાં સૌ પ્રથમ આ અંગેનો પ્રસ્તાવ પ્રસાર કરાશે. વધુમાં જગદીશ ઠાકોરે તાજેતરમાં મોરબી ખાતે ઝૂલતો પુલ તૂટવાના બનાવમાં ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અને સરકારની પોલ ખોલી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવા સમયે કોમી એકતા અને ભાઈચારાના દર્શન થયા છે. હિન્દુ અને મુસ્લિમોએ એક થઈને ડૂબતા માણસોને બચાવી લીધા હતા. નહીં તો મૃત્યુઆંક ૫૦૦ કરતાં વધુને આંબી જાત. આ અગાઉ જ્યારે જ્યારે ચૂંટણીઓ થતી ત્યારે દેશ અને રાજ્યના વિકાસની વાતો થતી અને તેના નામે જ મત માંગવામાં આવતા હતા પરંતુ ભાજપ સરકાર હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદ, સ્મશાનકબ્રસ્તાન, ભારત-પાકિસ્તાન વગેરેના નામે અને ફક્ત ધર્મના નામે લોકોની લાગણી ઉશ્કેરી મતો માંગે છે પરંતુ હવે લોકો જાણી ગયા છે હાલની ગરીબી, બેકારી, મોંઘવારી, ભાવવધારાએ માજા મૂકી છે લોકોનું જીવન મુશ્કેલ થઈ ગયેલ છે. લોકો ભાજપથી ત્રાહિમામ પોકારી ગયા છે. લોકો પરિવર્તન અને બદલાવ ઈચ્છે છે. તે રીતે આ ચૂંટણીઓમાં પરિવર્તન આવશે અને કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે મુજબ અમલ કરવો તેમ જગદીશ ઠાકોરે જણાવ્યું. આ સભામાં કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, પૂર્વ ધારાસભ્ય અને મહુવાના કોંગ્રેસના ઉમેદવાર ડો. કનુભાઈ કલસરિયા, પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલ, પ્રવીણ રાઠોડ, શહેર અને જિલ્લાના પ્રમુખો, હોદ્દેદારો જુદા જુદા સંગઠનના આગેવાનોએ પણ આ સભાને સંબોધી હતી.