જૂનાગઢ આસારામ બાપુના અન્નક્ષેત્રમાં ૧.૫૦ લાખ યાત્રાળુઓએ પ્રસાદ લીધો

0

જૂનાગઢ હાલ ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન લાખોની જનમેદની પુણ્યનું ભાથું બાંધવા ઉમટી પડે છે ત્યારે આ ઉમટેલી જનમેદનીને ફક્ત પાણીની સુવિધા પૂરી પાડવાની થાય તો પણ તંત્રને આંખે પાણી આવી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ શિવરાત્રી અને પરિક્રમા દરમ્યાન ચોક્કસથી થાય છે. આવા સમયે સેવાભાવી સંસ્થાઓ આગળ આવી આ જનમેદની માટે રહેવા, જમવા, ચા, નાસ્તા અને પાણી તેમજ સારવાર સહિતની વ્યવસ્થાઓ કરે છે. આવી જ રીતે આસારામ બાપુ અન્નક્ષેત્રના સ્વયંસેવકો છેલ્લા ૨૯ વર્ષથી પરિક્રમા અને શિવરાત્રી દરમ્યાન ભવનાથ બસ-સ્ટોપ સામે સેવાની ધૂણી ધખાવી લાખોની જનમેદનીને ભોજન પ્રસાદ પીરસી માનવસેવા એજ પ્રભુ સેવાના સૂત્રને આત્મસાત કરે છે. આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર પરંપરાગત ગિરનારની લીલી પરિક્રમા વખતે અનેક લોકો ભજન ભક્તિ થકી પુણ્યનું ભાથું બાંધે છે તો અમુક લોકો આ ભજન ભક્તિ કરનારા લોકોની અનેકવિધ પ્રવૃત્તિ થકી સેવા સુશ્રુષા કરી પુણ્ય કમાતા હોવાનો સંતોષ માની લે છે. આસારામ બાપુની સંસ્થાના નેજા તળે સૌરાષ્ટ્ર યોગ વેદાંત સમિતિના યુવા સેવા સંઘ રાજકોટના સ્વયંસેવકોની ટીમ પરિક્રમા દરમ્યાન ભવનાથ બસ સ્ટેશનની સામે સેવાની ધૂણી ધખાવી કોઈપણ પ્રકારના નાત-જાતના ભેદભાવ વગર અઢારેય વરણને એક પંગતે જમાડી અન્નક્ષેત્રની આગવી સેવા થકી લાખોની જઠરાગ્નિ ઠારે છે. સ્વયંસેવકોએ જણાવ્યું હતું કે, રોટલી, શાક, રવાનો શીરો અને ખીચડી અમારા બાપુની આજ્ઞાથી આ અમારૂ ફિક્સ મેન્યુ છે અને આમાં જ્યારે એકાદશી હોય ત્યારે મગની દાળ અને ઘઉંના ફાડાની ખીચડી એટલો ફેરફાર કરવામાં આવે છે. જરૂરિયાતમંદોને શુદ્ધ અને સાત્વિક ભોજન આપી અમને અનેરો આનંદ થાય છે. ૮૦થી વધુ સ્વયંસેવકોની ટીમ જેમાં રાજકોટ, મોરબી અને ગોંડલના મોટા ઉદ્યોગપતિઓ, ઇન્કમટેક્સ અધિકારીઓ, મામલતદાર સહિતના અધિકારીઓ અને નિવૃત્ત અધિકારીઓ પોતાની મોટપ ભૂલી અહીં સારથિયાની ભૂમિકા ભજવી યાત્રાળુઓની સેવા કરે છે. સવારના ચા-નાસ્તો, બપોરે ભોજન-પ્રસાદ અને સાંજે ફરી ચા-નાસ્તો અને રાત્રે ભોજન સહિતની લોકોને સેવા આપીએ છીએ. આ વખતની પરિક્રમામાં કુલ ૧.૫૦ લાખ જેવા યાત્રિકોએ અન્નક્ષેત્રમાં પ્રસાદ લીધો છે. પરિક્રમા દરમ્યાન ૧૫૦૦ કિલો લોટ, ૪૫ ડબા તેલ, લીલા શાકભાજી સહિત આશરે લાખોમાં કિંમત ગણી શકાય તેટલો સીધુ સામાન અન્નક્ષેત્રમાં વપરાય છે. જ્યારે મીડિયાની ટીમે અન્નક્ષેત્રની મુલાકાત લીધી ત્યારે વિશેષમાં સ્વયંસેવકોએ જણાવ્યું હતું કે, જરૂરિયાતમંદોની સેવા કરી અનેરો આનંદ પ્રાપ્ત થાય છે. અમારા બાપુની આજ્ઞાથી અમે આ સેવા કરી શકીએ છીએ તેનો વિશેષ આનંદ છે. સમાજમાં બાપુની અવગણના થાય છે તેવું અમુક તત્વો માને છે પરંતુ અહીં અન્નક્ષેત્રના આશરે પ્રસાદ લેતા લોકો અને તેની બાપુ પ્રત્યેની ભાવના જાેઈને આત્મ સંતોષ થાય છે અને અમારી આ સેવા થકી જાે પરમ કૃપાળુ પરમાત્માને આનંદ થતો હોય તો અમારા બાપુની અવગણના કરનારા તત્વોનું પણ ઈશ્વર કલ્યાણ કરે તેવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ.

error: Content is protected !!