દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક વખત મેગા ઓપરેશન ડિમોલીશન

0

હર્ષદ ગાંધવી વિસ્તારમાં અનેક દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું

રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર અને અનધિકૃત રીતે સરકારી જમીન પર કબજો કરનારા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા થોડા સમય પૂર્વે મેગા ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યમાં સૌપ્રથમ વખત દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ધર્મસ્થળ વિસ્તારમાં થોડા સમય પૂર્વે હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં ધર્મ સ્થળો, કોમર્શિયલ તેમજ રહેણાંક બાંધકામો, વંડાઓ, વિગેરે પ્રકારનું સરકારી જમીન ઉપરનું દબાણ ધ્વસ્ત કરવામાં આવ્યું હતું થોડા સમયના બ્રેક બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી વધુ એક દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ઐતિહાસિક ધર્મ સ્થળ હર્ષદ ગાંધવી ખાતે આજરોજ શરૂ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના વડપણ હેઠળ સ્થાનિક રેવન્યુ સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારના દબાણો પર ડિમોલિશન કાર્ય કરવાની કામગીરીનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. થોડા સમય પૂર્વે આ વિસ્તારના દબાણકારોને ૧૮ જાન્યુઆરીના રોજ લેખિત નોટિસ ઇસ્યુ થયા બાદ અનેક દબાણો યથાવત રહેતા આખરે આજે સવારથી જુદા-જુદા પ્રકારના દબાણો પર સરકારી મશીનો વડે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે સવારથી હર્ષદ ગાંધવી વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી પોલીસ તથા એસઆરપી સહિતનો સુરક્ષા કાફલો ગત રાત્રિથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ડીવાયએસપી સમીર સારડા, હાર્દિક પ્રજાપતિ, એમ.એન. પરમાર, સહીત પી.આઈ., પી.એસ.આઈ. સહિત આશરે ૧૨૦૦ જેટલા મહિલા કર્મીઓ, પોલીસ જવાનોની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હર્ષદ ગાંધવી સ્થિત હર્ષદ માતાજી મંદિરથી થોડે દૂર કરવામાં આવેલા વિવિધ દબાણો પર જેસીબી જેવા મશીન વડે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખીએ છે કે સરકારી તંત્ર દ્વારા અનધિકૃત દબાણકર્તાઓને ફટકારવામાં આવેલી નોટિસો સામે તેઓ કોર્ટમાં ગયા હતા અને તેઓની અરજી કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી હતી. હર્ષદ ગાંધવી ધર્મસ્થળ ખાતે વ્યાપક દબાણ ઝુંબેશ પણ બેટ દ્વારકાની જેમ લાંબો સમય ચાલે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

error: Content is protected !!