અગાઉના વર્ષોમાં સંવેદનશીલ લેન્ડિંગ પોઇન્ટ જાહેર કરાયેલા હર્ષદ મંદિર નજીકના દરિયા કાંઠે ત્રણ દિવસમાં રૂા.૪.૮૧ કરોડનું ૧૧ લાખ ચોરસ ફૂટ દબાણ દૂર થયું

0

ત્રીજા દિવસે ઓપરેશન ડિમોલિશનમાં ૨.૨૦ લાખ ફૂટ જગ્યા ખુલ્લી કરાવાઈ ઃ દબાણ હટાવ કામગીરી આજે ચોથા દિવસમાં પ્રવેશી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓપરેશન ડિમોલિશન પાર્ટ- ૨ ના ગઈકાલે સોમવારે ત્રીજા દિવસે વધુ ૩૪ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આશરે રૂપિયા ૮૬ લાખ જેટલી કિંમત ધરાવતી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) ખાતે દબાણ હટાવ ઝુંબેશના સોમવારે ત્રીજા દિવસે સવારથી હાથ વધારવામાં આવેલી કામગીરીમાં ૨૮ રહેણાંક તેમજ ૬ કોમર્શિયલ મળી કુલ ૩૪ દબાણ ઉપર સરકારી મશીનો ફરી વળ્યા હતા. જેમાં રૂપિયા ૮૪ લાખ જેટલી કિંમત ધરાવતી ૨.૨૦ લાખ ચોરસ ફૂટ જગ્યા પરના દબાણો ધ્વસ્ત થયા છે. અત્રે ઉલ્લેખની છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌથી સંવેદનશીલ એવા બેટ દ્વારકા પછી બીજા નંબરના મહત્વના તેમજ સંવેદનશીલ ગણાતા હર્ષદ ગાંધવીના દરિયા કિનારા નજીક છેલ્લા આશરે એક દાયકામાં અનઅધિકૃત દબાણની સંખ્યા ચિંતાજનક રીતે વધી ગઈ હતી. જેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સૂચના મુજબ જિલ્લા તંત્રએ પદ્ધતિસર રીતે માપણી કરી અને આવી જગ્યા નક્કી થયા બાદ આદેશ મળ્યા પછી ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યા છે. દરિયાની તદ્દન નજીક કરવામાં આવેલા આવા જાેખમી અને અનધિકૃત દબાણો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વધુમાં હર્ષદ નજીકનો દરિયાકાંઠો દાયકાઓ અગાઉ લેન્ડિંગ પોઇન્ટ તેમજ હેરાફેરી તથા અસામાજિક તત્વોની ઘૂસણખોરી માટે સંવેદનશીલ જાહેર થયો હતો. ત્યારે છેલ્લા કેટલાક સમયથી થયેલા ગેરકાયદેસર બાંધકામો થતાં આના અનુસંધાને જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા દ્વારા લેવામાં આવેલા સાનુકૂળ પગલાઓ તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના નક્કર પ્લાનિંગ બાદ ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જે થીયરીથી બેટ દ્વારકામાં દબાણ હટાવાયા તેવી જ રીતે આયોજનબદ્ધ રીતે ગાંધવી ખાતે પણ આ કામગીરી કરવામાં આવી રહી છે. જેના વખાણ તાજેતરમાં જામનગર ખાતે જાહેર કાર્યક્રમમાં આવેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ કર્યા હતા. ગાંધવી ગામમાં ત્રણ દિવસ દરમિયાન રૂપિયા ૪.૮૧ કરોડનું ૧૧ લાખ ચોરસ ફૂટ દબાણ ધ્વસ્ત કરવામાં આવ્યું છે. જેમાં ૨૧૪ રહેણાંક, ૫૫ કોમર્શિયલ તથા ૪ ધાર્મિક દબાણોનો સમાવેશ થાય છે. ત્યારે હવે બાકી રહેલા નાના પાયાના દબાણ તેમજ અગાઉના ફાઉન્ડેશન પણ દૂર કરવાની કામગીરી આજે પણ જારી રાખવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી આયોજનપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલી આ કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી.

error: Content is protected !!