ધોરણ ૧૨માં ૨૪ વિદ્યાર્થીઓની ગેરહાજરી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે. ગઈકાલે જિલ્લામાં એકપણ ગેરરીતી કે કોપી કેસ નોંધાયો નથી. ધોરણ ૧૦ ના મંગળવારે પ્રથમ પેપરમાં કુલ ૮૦૮૦ વિદ્યાર્થીઓ પૈકી ૭૯૩૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧૪૯ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. ધોરણ ૧૦ માટે જિલ્લામાં કુલ આઠ કેન્દ્રના ૩૪ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ધોરણ ૧૨ ના સામાન્ય પ્રવાહના ગુજરાતી મીડીયમમાં ૧૫૪૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ઇંગ્લીશ મીડીયમમાં ૧૬૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનના વિષય માટે ૪૬૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જિલ્લામાં બે કેન્દ્રોમના ત્રણ બિલ્ડિંગમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવી રહી છે. જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન માટે પીઢ અને અનુભવી શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાણીયા તથા સ્ટાફ દ્વારા જરૂરી વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.