દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનાથી મને પ્રગતિ કરવાની તક મળી : રાજકોટના નિરાલી ચુડાસમા
“ગુજરાત સરકારની દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત મને હાલમાં જ રૂપિયા એક લાખની લોન તેમજ ૨૫ ટકા સબસિડી મળી છે. જે મારા હેન્ડીક્રાફ્ટના વ્યવસાયના વિકાસમાં ખૂબ જ ઉપયોગી બની છે. ગુજરાત સરકારની આ પ્રકારની યોજનાથી મારા જેવી અનેક મહિલા કારીગરો ઘરે બેઠા પ્રગતિ કરી શકી છે, જે બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર…” ઃ આ શબ્દો છે, રાજકોટનાં નિરાલી ચુડાસમાના, જેઓ છેલ્લા ૧૦ વર્ષથી હસ્તકલાનું કામ કરી રહ્યા છે. રાજકોટના ૮૦ ફૂટ રોડ નજીક સત્યમ પાર્કમાં રહેતાં નિરાલી ચુડાસમા હસ્તકલા કારીગર છે અને દોરીના ઝુલા, માચી વગેરે વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તેઓ જણાવે છે કે, “પહેલા મને ખ્યાલ ન હતો કે, હસ્તકલાના કારીગરોને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રોત્સાહન મળે છે. દરમિયાન હું રાજકોટમાં હસ્તકલા સેતુ યોજનાના સ્ટાફના પરિચયમાં આવી હતી. તેઓએ મને “ઉદ્યમ આધાર” કાર્ડ કઢાવવામાં મદદ કરી હતી. આ ઉપરાંત તેમના દ્વારા હસ્તકલાની વિવિધ વસ્તુઓના પ્રદર્શન, તાલીમ વગેરે બાબતે પણ મને જાણકારી આપવામાં આવે છે.” તેઓ કહે છે કે, “હાલમાં જ મારે કાચો માલ લેવા માટે થોડી મુડીની જરૂર હતી. આથી મેં હસ્તકલા સેતુ-રાજકોટના સ્ટાફનો સંપર્ક કર્યો હતો. તેમના દ્વારા મને દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત કારીગરોને ઓછા વ્યાજે મળતી લોન તેમજ સબસિડીની માહિતી આપવામાં આવી હતી. એટલું જ નહીં, આ યોજના માટેના ફોર્મ ભરવાથી માંડીને સબમિટ કરવા સુધીની પ્રક્રિયામાં પણ તેઓ સહાયરૂપ બન્યા હતા. જેના કારણે ટૂંક સમયમાં જ મારી રૂપિયા એક લાખની લોન મંજૂર થઈ અને સબસિડી પણ મળી છે,જે સીધી મારા બેન્ક ખાતામાં ફેબ્રુઆરી-૨૦૨૩ના અંતમાં જમા પણ થઈ ગઈ છે. હું ગુજરાત સરકાર તેમજ હસ્તકલા સેતુ યોજનાના સ્ટાફનો આભાર માનું છું, કારણ કે, સરકારની યોજનાઓના કારણે અનેક મહિલા કારીગરોને વ્યવસાય માટે જરૂરી નાણા અને સબસિડી સરળતાથી મળે છે અને તેઓ પ્રગતિના પંથે આગળ વધી રહી છે.”