વિશ્વભરમાં ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે ૧૫મી માર્ચના રોજ ‘આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ’ ઉજવાય છે. સમગ્ર ગુજરાતમાં ગ્રાહક પ્રવૃત્તિને લોકભોગ્ય બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. ત્યારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ – ૨૦૧૯ હેઠળ ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી અને બિનખર્ચાળ નિવારણ પૂરૂ પાડવા માટે રાજકોટ શહેરમાં જૂની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે ‘ગ્રાહક અદાલત – તમારી રક્ષક’ના ધ્યેય સાથે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સતત કાર્યરત છે. રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ગ્રાહક પોતે, કેન્દ્ર અથવા રાજ્ય સરકાર, સદગત ગ્રાહકના વારસદારો, સ્વૈચ્છિક સંસ્થા, સગીર ગ્રાહકના વાલી ફરિયાદ નોંધાવી શકે છે. માલના પરીક્ષણની આવશ્યકતા ન હોય તો સામા પક્ષકાર દ્વારા નોટીસની સ્વીકૃતિ થયાની તારીખથી ૩ મહિનામાં તેમજ માલની ચકાસણીની જરૂર હોય તો ૫ મહિનાની મુદતમાં ફરિયાદનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાય છે. જેના પરિણામ રૂપે માલ/સેવામાં રહેલી ખામી દૂર કરવી, ઇજા/નુકશાન માટે વળતર મેળવવું, માલ બદલી આપવો, જાેખમકારક માલ/સેવા વેચાણમાંથી પરત ખેંચવું, ગેરમાર્ગે દોરતી જાહેરખબરોના સંદર્ભમાં સાચી જાહેરખબર અપાવવી, માલ/સેવાની ચૂકવેલી કિંમત પરત મેળવવી જેવી રાહતો ફરિયાદીને મળી શકે છે. રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના મદદનીશ નિયામક કે.કે. સરવૈયાએ જણાવ્યું હતું કે કમિશનની સ્થાપનાથી આજ દિન સુધી કુલ ૧૬,૩૪૧ કેસ એટલે કે અંદાજે ૯૫% કેસનો સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૯ અગાઉના તમામ કેસનો નિકાલ આવી ગયો છે. ગત વર્ષ ૨૦૨૨ની વાત કરીએ તો જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનની મુખ્ય કચેરીના પ્રમુખ પી.સી.રાવલ તથા અધિક કચેરીના પ્રમુખ કે.એમ.દવેના માર્ગદર્શન મુજબ મુખ્ય કચેરીમાં ૩૦૯ કેસ તથા અધિક કચેરીમાં ૧૩૮ કેસનો નિવેડો લાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગ્રાહકોના હિતની સુરક્ષાને અનુલક્ષીને વિવિધ તાલુકાઓમાં, કોલેજાેમાં વકીલો, વિદ્યાર્થીઓ સહીત સામાન્ય પ્રજા માટે જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે. સરકારી કચેરીઓ, બસ સ્ટેશન જેવા જાહેર સ્થળોએ ગ્રાહક જાગૃતિના પોસ્ટર્સ લગાવવામાં આવે છે. કચેરીમાં આવતા ગ્રાહકોને ફરીયાદ બાબતે સલાહ-સૂચન અપાય છે તથા ફરીયાદ નોંધણીની પ્રક્રિયા અને તેઓના અધિકારો અંગે માહિતી અપાય છે. તેમજ ગ્રાહક સુરક્ષાના કાયદાઓનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. આમ, રાજ્ય સરકાર ગ્રાહકોના અધિકારોની જાળવણી માટે પ્રતિબદ્ધ છે. ત્યારે ગ્રાહકો કાયદા જાણે અને પોતાના અધિકારોથી વાકેફ બને, તે આવશ્યક છે. કારણ કે ગ્રાહકો જાગૃત્ત હશે તો જ તેઓ પોતાના રક્ષણ અર્થે આગળ આવી ફરિયાદ કરી શકશે સાથેસાથે ‘જાગો ગ્રાહક જાગો’નું સૂત્ર સંપૂર્ણપણે સાર્થક બનશે.