હર્ષદ બંદર ખાતે કુલ ૨૭૫ અનધિકૃત બાંધકામ ધ્વસ્ત થયા બાદ ડિમોલિશનની પૂર્ણાહુતિ

0

કુલ ૧૧ લાખ ફૂટથી વધુ સરકારી જમીન ખુલ્લી થઈ : હવે અન્ય વિસ્તારનો વારો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત તારીખ ૧૧ના રોજ શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનમાં હર્ષદ ગાંધવી ખાતે તંત્રએ ચાર દિવસ બુલડોઝર ફેરવી, ૧૧.૦૯ લાખ ચોરસ ફુટ જગ્યાને ખુલ્લી કરી છે. ગઈકાલે મંગળવારે ચોથા દિવસે હર્ષદ વિસ્તારનું અનઅધિકૃત બાંધકામ મહદ અંશે દૂર થઈ ચૂક્યું છે. ત્યારે હવે તંત્રએ દરિયાઈ પટ્ટીના અન્ય વિસ્તારોમાં ડિમોલિશન કરવા તરફ નજર દોડાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેવન્યુ તંત્ર દ્વારા ચોક્કસ માપણી તેમજ લીગલ નોટિસ અપાયા બાદ ગેરકાયદેસર દબાણકર્તાઓના બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવાનું પ્લાનિંગ ગત શનિવારથી શરૂ થયા બાદ આજરોજ ચોથા દિવસમાં પ્રવેશ્યું છે. હર્ષદ મંદિર નજીકની દરિયાઈ પટ્ટીના ભાગોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના સુવ્યવસ્થિત આયોજન તેમજ રેવન્યુ તંત્રને સાથે રાખીને દરરોજ કોમર્શિયલ, રહેણાંક તેમજ કેટલાક ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે. ગઈકાલે મંગળવારે ચોથા દિવસે એક ધાર્મિક અને એક રહેણાંક મળી કુલ ૮,૮૦૦ ફૂટ ના બે અનઅધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. જેની અંદાજિત કિંમત ૩.૪૩ લાખ ગણવામાં આવી છે. છેલ્લા ચાર દિવસ દરમ્યાન તંત્ર દ્વારા કુલ ૨૭૫ બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. જેમાં ૨૧૫ રહેણાંક, ૫૫ કોમર્શિયલ તથા પાંચ ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. આશરે રૂપિયા ૧૧.૦૯ લાખ ચોરસ ફૂટ ખુલ્લી કરવામાં આવેલી આ સરકારી જગ્યાની કિંમત રૂા.૪.૮૬ કરોડ આપવામાં આવી છે. હર્ષદ વિસ્તારમાં હાલ અહીં ડિમોલીશન કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. હવે સંભવિત રીતે નજીકના દરિયાઈ પટ્ટીના ગામો ભોગાત, નાવદ્રા વિગેરે ગામોમાં અનઅધિકૃત દબાણ કરતોને નોટિસ આપવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે હવે અહીં પણ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી પરિસ્થિતિ જાેવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા જિલ્લા પોલીસ ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ અહીં આવેલી પોલીસની કુમકના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, કલ્યાણપુરના મામલતદાર દક્ષાબેન રિંડાણી વિગેરે દ્વારા ડીમોલિશનની કામગીરી પર બાજ નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા ચાર દિવસ દરમ્યાન અહીં કોઈ પણ પ્રકારનું છમકલું થયું નથી. તંત્રની આ કડક હાથે કરવામાં આવેલી કામગીરીના કારણે નોટિસ મળ્યા બાદ દબાણ કર્તાઓ સ્વૈચ્છિક રીતે પોતાના રહેણાંક વિગેરે ખાલી કરીને જતા રહે છે. દરિયાઈ પટ્ટીના વિસ્તારોની સુરક્ષા સાથે દેશની સુરક્ષા – સલામતી માટે અનિવાર્ય ગણાતા આ ઓપરેશન ડિમોલિશનથી આ સામાજિક તત્વો તેમજ દબાણકર્તા તત્વોમાં ફાફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.

error: Content is protected !!