મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના લટેરી તાલુકાના આનંદપુર ખાતે પૂ. રણછોડદાસજી મહારાજનો આશ્રમ છે. આ વિસ્તારના ગરીબો આદિવાસીઓ અને વનવાસીઓ વિગેરે લોકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય સહિત અનેકવિધ સેવાઓ આશ્રમ દ્વારા થાય છે. અદ્યતન હોસ્પિટલ, પ્રાથમિક તેમજ માધ્યમિક શાળા, સંસ્કૃત શાળા, ગૌશાળા અને ખેતી સુધારણા સહિતની વિવિધ સેવાઓ સતત ચાલુ છે. દરવર્ષે ૫૦ હાજર જેટલા આંખના ઓપરેશન પણ થાય છે. રાજકોટના વતની ડો. વિષ્ણુભાઈ જાેબનપુત્રા, તેમના ધર્મપત્ની ભારતીબેન અને બહેન ઈલાબેને પોતાનું સમગ્ર જીવન સેવા કર્યો માટે સમર્પિત કરી દીધું છે. તેઓ આશ્રમનું બેનમૂન સંચાલન કરી રહ્યા છે. અહીંના વિશાળ સેવાસંકુલના નિર્માણમાં જાણીતા ઉદ્યોગપતિ અરવિંદ મફતલાલ ગ્રુપનું પ્રભાવી યોગદાન છે. સેવાના આ ધામમાં ગણાત્રા ફાઉન્ડેશન (યુ.કે.)ના ટ્રસ્ટીઓ હિતેનભાઈ ગણાત્રા, અમરીશભાઈ ગણાત્રા, અભિષેકભાઈ ગણાત્રા અને કપિલ જાેબનપુત્રાએ પૂ. મોરારીબાપુની ૯૧૩ મી રામ કથાનું આયોજન તારીખ ૧૧ થી ૧૯ માર્ચ સુધી કર્યું હતું. કથાની સાથે સાથે ૯૧૩ વૃક્ષારોપણ અને નવ હજાર ગરીબોને ખાધા-ખોરાકની કીટ સહિત ઘણા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં બાળકોને કપડાં અને મહિલાઓને સાડીઓનું વિતરણ પણ કરાયું હતું. વિતરણનું આ કાર્ય કથા શરૂ થઈ તે પહેલાથી શરૂ કરી દેવાયુ હતું અને એક મહિના સુધી ચાલ્યું હતું. લટેરી વિસ્તારના અટપટા ભૌગોલિક સ્થાનોના પરિચિત અને છેલ્લા અનેક દાયકાઓથી ગરીબોની સેવામાં રત રહેલા ઈલાબેન જાેબનપુત્રાના માર્ગદર્શન મુજબ કાર્યકરો વિતરણ માટે સંસ્થાની બસમાં જઈને સેવા આપતા હતા. આ સેવા પ્રવૃત્તિમાં સો જેટલા ગામડાઓ અને કસ્બાઓને આવરી લેવામાં આવ્યા હતા. લંડનથી અત્રે ખાસ આવેલા ગણાત્રા ફાઉન્ડેસન ટ્રસ્ટના મોભી દિનેશભાઈ ગણાત્રા અને ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા જલારામ અન્નપૂર્ણા ગૃહના અગ્રણી વિનોદભાઈ પંચમતિયા પણ વિતરણ કાર્યક્રમમાં જાેડાયા હતા અને સદગુરૂ સેવા સંઘ ટ્રસ્ટના ગુરૂભાઈઓની આ અથાક સેવાથી પ્રભાવિત થયા હતા.