મહિલા મંડળ દ્વારા વેલકમ ચેટીચાંદ તેમજ ત્રણ-ત્રણ વખત શાહી નાત-જમણ અને ઐતિહાસિક શોભાયાત્રામાં સિંધી સજણો ઉમટ્યા
ગીર-સોમનાથના ઉનામાં સિંધી સમાજે ઈષ્ટદેવ જૂલેલાલનો જન્મોત્સવ ચેટીચાંદ ભાવભેર ઉજવ્યો હતો. સતત બે દિવસ સુધી અવિરત ધર્મકાર્ય દ્વારા જૂલેલાલના ગુણગાન ગવાયા હતા. ચેટીચાંદ પર્વ સિંધીજનોનું નૂતનવર્ષ હોવાથી અભૂતપૂર્વ ઉત્સાહનો સંચાર થયો હતો. વિશેષમાં ઉત્સવની પૂર્વસંધ્યાએ વેલકમ ચેટીચાંદના ભાગરૂપે સાંસ્કૃતિક અને સંગીતમય પ્રસ્તુતિથી સિંધી મહિલા મંડળ દ્વારા પર્વને પૂર્વે આવકારાયું હતું. ત્યારબાદ વિવિધ સ્પર્ધાઓ યોજ્યા બાદ ઉત્કૃષ્ટ સ્પર્ધકોને સન્માનિત કરાયા હતા. જેમાં હિરૂબેન ટિલવાણી, કાંતાબેન ઠક્કર, મંજુબેન જેઠવાણી, હંસાબેન ગોપલાણી, દુગાબેન પમનાણી, લતાબેન જુમાણી, ડિમ્પલબેન ઠક્કર, દક્ષાબેન ધનાણી, મધુબેન જેઠવાણી, ઉષાબેન કમવાણી, પુષ્પાબેન ઠક્કર, વર્ષાબેન માનવાણી સહિત મહિલા અગ્રણીઓ હાજર રહી હતી. કાર્યક્રમનું સંચાલન સૌરાષ્ટ્ર સિંધી મહિલા મંડળના ઉપાધ્યક્ષા મંજુબેન જેઠવાણીએ કરેલ હતું. આ પવિત્ર પસંગે અગિયાર બટુકોએ શાસ્ત્રીય વિધિ-વિધાન સાથે સામૂહિક યજ્ઞોપવિત સંસ્કાર દ્વારા દ્વિજત્ત્વની પ્રાપ્તિ કરી હતી. દિક્ષીતા બાદ રજવાડી ઠાઠ સાથે પરંપરાગત સિંધી પેશકો નિકળ્યો હતો. જ્ઞાતિ-ગંગાના દર્શનાર્થે સિંધી સમાજે પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. સમસ્ત સિંધી જ્ઞાતિ માટે ત્રણ-ત્રણ વખત શાહી નાત-જમણનું આયોજન કરાયું હતું. ચેટીચાંદનું મુખ્ય આકર્ષણ શ્રદ્ધા અને ભાઈચારાના પ્રતીકસમી શોભાયાત્રામાં ઉમટવા જ્ઞાતિ એકતાના પ્રખર હિમાયતીઓ ઈશ્વરલાલ જેઠવાણી, વિજયભાઈ કમવાણી, સુરેશભાઈ ગોપલાણી, ધીરજલાલ દગીયા, કમલેશભાઈ જુમાણીએ સહિયારી અપીલ કરી હતી. જેને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો હોય તેમ નગરના રાજમાર્ગો ઉપર જનસૈલાબના સાક્ષી નગરજનો બન્યાં હતાં. નગર મધ્યે શોભાયાત્રા પ્રવેશતા ધારાસભ્યના પ્રતિનિધિ અને નગરસેવક વિજયભાઈ રાઠોડ, નગરપાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જાેશી, અગ્રણી સંજયભાઈ રાણા સહિતે પાલખીનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. આખરે સિંધી સોસાયટીમાં શોભાયાત્રા પ્રવેશતાની સાથે જ પૃષ્ટિવૃષ્ટિથી આસ્થાભેર સામૈયું કરાયા બાદ યાત્રાનું સમાપન થયું હતું. ઐતિહાસિક શોભાયાત્રાના પ્રસ્થાન પૂર્વે જ ઉના પોલીસ ઈન્સપેક્ટર નિલેશભાઈ ગોસ્વામીએ ટ્રાફિક વ્યવસ્થાના સુચારૂ સંચાલન માટે પોલીસકર્મીઓને જરૂરી દિશા-નિર્દેશો કર્યા હતા. સમગ્ર શોભાયાત્રા દરમ્યાન પોલીસ સ્ટાફ ખડેપગે રહ્યો હતો. સિંધી સમાજના પ્રમુખ ઈશ્વરલાલ જેઠવાણી તથા મહામંત્રી અને પત્રકાર કમલેશભાઈ જુમાણીએ પોલીસ પ્રશાસનની પ્રશંસનીય સેવા બદલ આભાર માન્યો હતો.