માંગરોળ નગરપાલિકાનાં રેકર્ડ સાથે ચેડા થતા હોવાનો ઓડીયો વાયરલ : ભારે ચકચાર

0

ભુતકાળમાં અનેક પ્રકારના કૌભાંડોમાં વગોવાયેલી માંગરોળ નગરપાલિકાના રેકર્ડ સાથે ચેંડા અંગેની ઓડીયોક્લિપ વાયરલ થતાં હડકંપ મચી ગયો છે. “સાહેબ” તરીકે ઓળખાતા રાજકીય વ્યક્તિ અને ન.પા.ના જન્મ મરણ શાખાના તત્કાલીન કર્મચારી વચ્ચે કોઈ ચોક્કસ પ્રકરણ સબંધે રજી.માં જન્મનું વર્ષ બદલાવી નાંખવા, પાનું ફાડી નાંખવા, રજી. સગેવગે કરી નાંખવા, સિક્કો મારીને બોગસ સર્ટિફિકેટ કાઢી નાંખવા સહિતની વાતચીતથી અધિકારીઓની જાણ બહાર કચેરીમાં અંદરખાને ચાલતી ધાંધલીની પોલ ખુલી ગઈ છે. નગરપાલિકાના કર્મચારીઓને ડરાવી, ધમકાવી એક ચોક્કસ જૂથ પોતાના ધાર્યા કામ કરાવતું હોવાની છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ચર્ચા ઉઠી છે. ત્યારે ૬.૫૫ મિનિટની વાયરલ થયેલી ઓડિયોક્લિપમાં એક શાળાના આચાર્ય અને રાજકીય પક્ષના હોદેદારને ન.પા.ના કર્મચારી કચેરીનું રેકર્ડ તપાસી ૨૦૦૭માં જન્મ મરણ શાખાના રજી.માં બે બાળકની અને તે પહેલાં ૨૦૦૩માં એક બાળકની નોંધ બતાવે છે તેવું કહે છે. થોડી ચર્ચા બાદ સાહેબ કર્મચારીને ૨૦૦૭ની નોંધ ૨૦૦૫માં ચઢાવી દેવા અને રજી.માંથી પેઈજ કાઢી નાંખવાનું કહેતા કર્મચારી ગભરાતા ગભરાતા “હું મરી જાઉં નહીં” તેમ કહેતા ઓફીસમાં તો ૨૫ જણા બેસે છે. તેમ કહી બે,ત્રણ દિવસમાં પછી પાછું ફીટ કરી દઈશું તેવી ધરપત આપે છે. વાતચીતનો દોર આગળ ધપતા કર્મચારી કહે છે કે અરજદાર રજી.ના ફોટા પણ પાડી ગયા છે. ત્યારે સામે છેડેથી સાહેબ કહે છે કે તું ચિંતા કરમાં…પેજ કાઢી નાંખ…બે દિ પછી હું પાછું આપી દઈશ…કચેરીએ તું ન હોય અને કોઈ આવશે તો ટાળી દેશે… ગભરાયેલો કર્મચારી કહે છે કે તમે મને મારી નાંખશો. રજી. કોઈને મળે નહીં એમ મારી રીતે રાખી દઉં. ઓફીસની ચાવી મારી પાસે જ હોય?. કોઈ આવશે તો કહી દઈશ કે ચાવી ખોવાઈ ગઈ.. ત્યારે સાહેબ કહે છે કે હું આવીને પાનું ફાડી નાંખું ?!… તું એકલો નોકરી કરે છે ? ૧૫ જણા અંદર બેસે છે. કોઈ કર્મચારી (ત્રણ કર્મચારીઓના નામ બોલે છે) કે કોઈ વાલી ફાડી ગયું હશે. આખરે ચાવી અને સહી વગરનો, સિક્કો મારેલો જન્મ તારીખનો દાખલો એક દુકાને આપી દેવાનું નક્કી થાય છે.
ચિફ ઓફીસરે રેકર્ડ કબ્જે લીધું
ટોક ઓફ ધ ટાઉન બનેલા આ પ્રકરણ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ઓડીયોક્લિપ ન.પા.ના વહીવટીદાર પ્રાંત અધિકારી-કેશોદ સુધી પહોંચતા તેઓએ ચિફને કાર્યવાહી કરવા સુચના આપતા ચિફ ઓફીસર દેવીબેને રોજકામ કરી, રેકર્ડ પેનડ્રાઈવમાં લીધું છે. તેમજ રજીસ્ટર કબ્જે લઈ બેને નોટીસ આપી છે.
મામલો શું હોઈ શકે ?
હેવાય છે કે ન.પા.ના એક સદસ્યને ત્યાં ૨૦૦૭માં ત્રીજા બાળકનો જન્મ થયેલ હોવાની હકીકત ઉમેદવારી ફોર્મમાં છુપાવી સભ્ય બની ગયાની ફરીયાદ થઈ હતી. આથી સભ્યપદ બચાવવા રેકર્ડ સાથે ચેંડા કરવા પેરવી કરવામાં આવી હતી.

error: Content is protected !!