વેરાવળના ભીડીયા વિસ્તારમાં એક જ પરીવારના બે બાળકોના ગણતરીના કલાકોમાં રહસ્યમય મૃત્યું નિપજતા અરેરાટી પ્રસરી

0

મૃત બાળકોની માતા અને પાંચ વર્ષીય બહેનની પણ બપોરે તબીયત લથડતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયા : રહસ્યમય ઘટનાને લઈ મૃત્યુંનું કારણ જાણવા પોલીસે તપાસનો ઘમધમાટ હાથ ધર્યો

વેરાવળના ભીડીયા વિસ્તારમાં રહેતા શ્રમિક માછીમાર પરીવારના ચાર મહિના અને અઢી વર્ષના બે માસુમ બાળકોના ગઈકાલે સવારે ગણતરીના કલાકોમાં જ રહસ્યમય મૃત્યું નિપજ્યાની ઘટના બનતા અરેરાટી વ્યાપી ગઈ હતી. જાે કે, બપોર બાદ મૃતક બાળકોની માતા અને પાંચ વર્ષીય બહેનની તબીયત લથડતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પીટલએ પહોંચ્યા હતા. હાલ મૃતક ચાર મહિનાના બાળકના મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે જામનગર મોકલવા તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને લઈ ઘૂંટાતા રહસ્ય વચ્ચે જાણ થતાં જ દોડતી થયેલ પોલીસે બાળકોના મૃત્યુંનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વેરાવળના ભીડીયા વિસ્તારમાં બનેલી ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ શ્રમિક માછીમાર નિલેશભાઈ ડાલકી તેમના ત્રણ સંતાનો અને પત્ની સાથે ભીડીયામાં રહે છે અને મજૂરી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સવારે તેમની અઢી વર્ષીય દિકરી ત્રીજા ડાલકીનું અચાનક મૃત્યું થયું હતું. જેથી તેની દફનવિધિ કરી હતી. ત્યારબાદ ગણતરીના કલાકોમાં જ તેમના ચાર મહિનાના પુત્ર પીનાકની તબીયત લથડી જતા પરીવારજનો ખાનગી હોસ્પીટલએ લઈ ગયેલ જ્યાં ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ અંગે જાણ કરાતા પોલીસે હોસ્પીટલએ દોડી આવી તપાસ શરૂ કરી હતી. ત્યારે જ બંને મૃત બાળકોની માતા અરૂણાબેન નિલેશભાઈ ડાલકી(ઉ.વ.૨૮) અને પુત્રી શ્રધ્ધા ડાલકી(ઉ.વ.૫)ની તબીયત ગંભીર બનતા સારવાર અર્થે હોસ્પીટલએ ખસેડવામાં આવેલ હતા. જ્યાં હાલ માતા-પુત્રીની હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે. આ ઘટના અંગે પોલીસે તપાસનો ઘમધમાટ આદરેલ છે. ગણતરીના કલાકોમાં એક જ પરીવારના બે માસુમ બાળકોના મૃત્યું અને માતા-પુત્રી ગંભીર રીતે બીમાર પડ્યાની ઘટનામાં ઘૂંટાતા રહસ્યનું કારણ જાણવા માટે ચાર મહિનાના મૃત બાળકના મૃતદેહનું ફોરેન્સીક પીએમ કરાવવા અર્થે જામનગર મોકલવામાં આવેલ હોવાનું પીઆઈ મકવાણાએ જણાવેલ છે. આ ઘટનાની વિશેષ તપાસ ચાલુ હોય પીએમ રીપોર્ટ આવ્યા બાદ કારણ જાણવા મળશે તેવું જણાવ્યું હતું. આ ઘટનાને પગલે ભીડીયા સહિત આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

error: Content is protected !!