ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામેથી આજથી આશરે પાંચેક દિવસ પૂર્વે જુદા જુદા ચાર આસામીઓની સિંચાઈની મોટર તેમજ ટ્રેક્ટરની દાંતી સહિતના મુદ્દામાલની ચોરી થવા સબબ સ્થાનિક પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણના અનુસંધાને ભાણવડ પોલીસ મથકના પી.એસ.આઈ. પી.ડી. વાંદા તથા એમ.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન ભાણવડના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા તથા ચિરાગસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે સઈ દેવળીયા ગામ તરફથી પસાર થતા એક છકડો રીક્ષાને અટકાવીને તેમાં ચેકિંગ કરવામાં આવતા થોડા દિવસ પૂર્વે આ વિસ્તારમાં થયેલી ચોરીની પાણી સિંચાઈને મશીનો તથા ટ્રેકટરની દાંતી હોવાનું ખુલવા પામ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે ભાણવડ તાલુકાના બતાડિયા નેસ ખાતે રહેતા ભરત સોમા રાઠોડ(ઉ. ૩૦) રામદે ઉર્ફે રામ જસમત ચૌહાણ (ઉ. ૩૦) અને મોરજર ગામના અતુલ ઉર્ફે રોમિયો ભરત લીલાપરા(ઉ. ૨૬) નામના ત્રણ શખ્સોની અટકાયત કરી, આગવી ઢબે પૂછપરછ કરતા તેઓએ ઉપરોક્ત મુદ્દામાલની ચોરી કરીને મેળવ્યા હોવાનું કબૂલ્યું હતું. આથી પોલીસે રૂા.૩૦,૦૦૦ની કિંમતના છકડો રીક્ષા તેમજ રૂપિયા ૧.૩૧ લાખના ચોરીના મુદ્દામાલ સહિત કુલ રૂપિયા ૧.૬૧ લાખનો મુદ્દામાલ કરજે કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી. આ કામગીરી ભાણવડના પી.એસ.આઈ. પી.ડી. વાંદા, એમ.કે. ગઢવી તથા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ચિરાગસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, રામભાઈ વસરા તથા નિતેશભાઈ સાદીયા દ્વારા કરવામાં આવી હતી.