રાજકોટ જિલ્લામાં ચોમાસાની ઋતુ પહેલાં જ જળ સંરક્ષણની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં ૭૫ થી વધુ અમૃત સરોવરનું નિર્માણ લોકભાગીદારીથી કરાઇ રહ્યું છે. વિંછીયા તાલુકા વિકાસ અધિકારીશ્રી પાર્થરાજસિંહ પરમારએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા વિંછીયા તાલુકાના લાલાવદર ગામે અમૃત સરોવર અંતર્ગત તળાવ ઊંડું ઉતારવાની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. તેમજ તાલુકામાં કંધેવાળીયા, જનડા, પીપરડી, લાલાવદર, બંધાળી, વિંછીયા, અમરાપુર એમ કુલ ૭ અમૃત સરોવરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેના નિર્માણ કાર્યની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. ઉલ્લેખનિય છે કે, ભારતભરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરો બનાવવાનું અભિયાન રાજ્ય સરકાર દ્વારા ચાલી રહ્યું છે.