રાજકોટની મહિલાઓના રક્ષણ માટે “SHE” ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરીને મહિલાઓનું પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે ધ્યાન રાખવામાં આવે છે. ત્યારે રાજકોટની “SHE” ટીમને પેટ્રોલીંગ દરમ્યાન ૩ દિકરીઓ રસ્તા પર પરેશાન દેખાતા ગાડી ઉભી રાખીને પુછપરછ કરી હતી. કિશોરીઓ સાથે સખીની જેમ વાતચીત કરતાં “SHE” ટીમને જાણવા મળ્યું હતું કે, કિશોરીઓ શાપર ગામની વતનીઓ હતી. સાંજનો સમય પણ થઈ ગયો હતો અને ઘરે પરત જવા કોઈ વાહન મળી રહ્યું નહોતું. કિશોરીઓની વાત સાંભળતા જ તેઓ સુરક્ષિત અને સમયસર પોતાના ઘરે પરત ફરી શકે તે માટે “SHE” ટીમે પોતાની ગાડીમાં ત્રણેય કિશોરીઓને બેસાડીને ત્રિકોણ બાગ બસ સ્ટેશને પહોંચાડી હતી. સમયસર મદદ મળતા કિશોરીઓએ હાશકારો અનુભવીને “SHE” ટીમના રોઝીબાનુ, પાયલબેન અને કિરણબેનનો આભાર માન્યો હતો. મહિલાઓની સુરક્ષા હેતુ ૨૪ કલાક કાર્યરત રાજકોટ જિલ્લાની “SHE” ટીમ દ્વારા અવિરત નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે.