મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ તેમજ ઉત્તર પૂર્વના મંત્રી અને ગુજરાતના મંત્રીઓ સહભાગી થયા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માધવપુર ઘેડના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો ના ઉદ્ઘાટન પૂર્વે ભગવાન માધવરાયજીના પૌરાણિક મંદિરે ભગવાન માધવરાયજી અને ભગવાન ત્રિકમ રાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માધુપુર ઘેડના મેળામાં ભગવાન માધવરાયજીના મંદિરે હજારો ભક્તો દર્શન કરે છે અને આ મંદિરમાં દરિયામાંથી મળેલા હજારો વર્ષ પુરાણા મંદિરમાંથી અહીં પધરાવવામાં આવેલી ભગવાનની પૌરાણિક દિવ્ય મૂર્તિઓ જેમાં ભગવાન માધવરાયજીના દર્શન કરી ભાવિકો ધન્ય બને છે. મુખ્યમંત્રીએ મેળાના ઉદ્ઘાટન પૂર્વે ભગવાન માધવરાયજીના મંત્રીઓ સાથે દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુજી, ઉપરાંત ઉત્તર પૂર્વ રાજ્યોના મંત્રી તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વન પર્યાવરણ અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર, મુખ્ય સચિવ રાજકુમાર, રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, પ્રવાસન વિભાગના સચિવ હરિત શુક્લા, ગુજરાત પ્રવાસન નિગમના એમડી આલોકકુમાર, કલેકટર અશોક શર્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં મુખ્યમંત્રીએ રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત માધવપુર ઘેડના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે દરિયાઈ રમતોના આયોજનો અને બીચની રમણીયતાની સાથે કલાકારો દ્વારા કંડારવામાં આવેલા રેતી શિલ્પોનું પણ નિરીક્ષણ કર્યું હતું.