કેશોદ : અંધશ્રધ્ધાનાં નામે પુત્રી ઉપર અત્યાચાર ગુજારનાર પિતા સહિત સાત સામે પોલીસ ફરિયાદ : ચકચાર

0

જૂનાગઢ સહિત રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર અંધશ્રધ્ધાનો એક કિસ્સો કેશોદ પંથકમાં બુધવારે સાંજે બન્યો હતો. જેમાં એક ૧૩ વર્ષની દિકરીમાં વળગાડ હોવાનું માનીને તેનાં પરિવારનાં સભ્યોએ માતાજીનાં માંડવામાં રાખેલા હવનકુંડમાં હાથ-પગ નખાવી અને અત્યારચાર ગુજારવામાં આવ્યો હોવાનાં બનાવને પગલે આ બાળાના પિતા સહિત સાત વ્યકિતઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગેની કેશોદ પોલીસે આપેલી વિગત અનુસાર મુળ પાડોદરા ગામ અને હાલ વિનાયક એપાર્ટમેન્ટ, બી-૩૧, ગોવરધન પાર્ક-ર, સરદારનગર જૂનાગઢ ખાતે રહેતા દમયંતીબેન પ્રફુલભાઈ ગજેરા(ઉ.વ.૪પ)એ પ્રફુલભાઈ પરષોતમભાઈ ગજેરા, ઉંજીબેન, જયેશ ગજેરા, રાહુલ ગજેરા, પોપટભાઈ ગજેરા, બાબુભાઈ નરશીભાઈ ગજેરા, ગોવિંદભાઈ ગજેરા વિગેરે સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આરોપી નં-૧ પ્રફુલભાઈ ગજેરા સહિતનાં સાતેય આરોપીઓએ એક કાવતરૂ રચી તેમજ આ કામનાં આરોપી નં-૧એ ભોગ બનનાર સાધનાબેનને માતાજીનાં નવચંડી યજ્ઞ તેમજ માતાજીનાં માંડવા માટે અગાઉથી ફરિયાદીનાં ઘરેથી તેડી આવ્યા હતા અને આયોજીત કરેલ યજ્ઞમાં સાધનાબેન ધુણતા હોય જેથી આ કામનાં આરોપી નં-ર ઉંજીબેન તથા રાહુલ ગજેરાએ તેમને વળગાડ હોવાનું કહી અને આરોપી નં-રએ સાધનાબેનનાં વાળ ખેંચી તથા આરોપી નં-૩ અને ૪ એ સાધનાબેનને થપડો તથા ઢીકાપાટુંનો માર મારી અને આરોપી નં-ર અને ૪ એ સળગતા યજ્ઞ કુંડમાં ભોગ બનનાર સાધનાબેનનાં હાથ પકડી અને હાથમાં દેવતા લેવડાવી તેમજ સાધનાબેનનાં હાથ પકડી અગ્ની કુંડમાં પગ મુકાવતા ફરિયાદીએ તેનો વિરોધ કરતા આરોપી નં-પ તથા ૭ એ ફરિયાદીને શરીરે ઢીકાપાટુંનો માર મારી તેમજ યાત્રીબેન વચ્ચે પડતા તેને પણ આરોપી પ થી ૭ નંબરનાંએ ઢીકાપાટુંનો માર મારી સાધનાબેનને ડાબા હાથમાં તથા બંને પગનાં તળીયામાં દજાડી દઈ ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. ઈજાગ્રસ્ત બનેલ સાધનાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ. દરમ્યાન આ બનાવ અંગે જાણ થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો. દરમ્યાન દમયંતીબેનની ફરિયાદનાં આધારે પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩ર૩, પ૦૮, ૧ર૦બી મુજબ ગુનો દાખલ કરી અને કેશોદ પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવી રહી છે.

error: Content is protected !!