જૂનાગઢમાં રામનવમીની ભવ્ય ઉજવણી : શોભાયાત્રા નીકળી

0

મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટય મહોત્સવની સૌરાષ્ટ્રભરમાં ઉત્સાહભેર અને ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે રામનવમીના પર્વે જૂનાગઢમાં એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી ના નારા ગુંજી ઉઠયા હતા. ગઈકાલની શોભાયાત્રામાં ભગવાન શ્રીરામ ચાંદીની પાલખીમાં બેસી અને નગરચર્યાએ નીકળ્યા હતા. આ શોભાયાત્રામાં સામેલ વિવિધ આકર્ષક ફલોટોએ સારૂ એવું આકર્ષણ જગાવ્યું હતું.
જૂનાગઢમાં પ્રથમવાર ચાંદીની પાલખીમાં બેસીને ભગવાન શ્રીરામ નગર ચર્યાએ નીકળ્યા હતા. હરીઓમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિપેન્દ્ર યાદવ સહિતના તમામ કાર્યકર્તાઓ દ્વારા રામનવમીની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ વર્ષે રામનવમીની શોભાયાત્રામાં અનેક આકર્ષણો ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં ભગવાન શ્રીરામની પાલખી ચાંદીની હતી. જે ખાસ રાજસ્થાનમાં તૈયાર કરવામાં આવી હતી તેને શણગાર માટે બેંગ્લોરથી ૧૬૦ કિલો ફુલો મંગાવ્યા હતા. ગઈકાલે બપોરે ૩-૩૦ કલાકે ઉપરકોટ રોડ ઉપર આવેલ પ્રાચીન એવા શ્રી રામચંન્દ્રજી મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી. રાત્રે ૮-૩૦ કલાકે જવાહર રોડ ખાતે પુર્ણ થયા બાદ રાત્રે ૯-૩૦ કલાકે મયારામદાસજી આશ્રમ ખાતે ધર્મસભા અને પુરસ્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. શોભાયાત્રામાં ટ્રેકટરના બદલે ૧૦ નવા ટેબલો તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં ગૌતમ બુધ્ધ, સ્વામી વિવેકાનંદજી અને આદિ યોગી (મહાદેવ)ની પ્રતિમા જે ૧૦ ફુટ લાંબી અને ૮ ફુટ પહોળી પ્રતિમા હતી. શોભાયાત્રામાં ૪૭ જેટલી અલગ અલગ ઝાંખીઓ જાેડાયેલ હતી. વિવિધ રાસ મંડળીઓ ભાગ લીધો હતો. પ્રથમવાર વાસના બાંબુવાળી અગરબતીના બદલે બેલદાર લાકડાના ગાયના છાણ અને ગાયના ઘીથી બનાવેલી અગરબતીનો ધુપ કરવામાં આવ્યો હતો. ખાસ આકર્ષણનું કેન્દ્ર શોભાયાત્રામાં સેલ્ફી પોઈન્ટ ઉભો કરવામાં આવેલો જેમાં હનુમાનજીની ૮ ફુટની ગદા સાથે સેલ્ફી પોઈન્ટ ઉભો કરાયો હતો. (તસ્વીર અશોક પોપટ)

error: Content is protected !!