કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આવેલી અને એક માત્ર તમામ જ્ઞાતિઓની દીકરીઓ માટેની સંસ્થા સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલ ખાતે તાજેતરમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ ૪ થી ૧૨ ધોરણ સુધીની છાત્રાઓ કે જે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, તેમના દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની વિદ્યાર્થીનીઓનો વિદાયમાં આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ આ બાળાઓ દ્વારા રજુ કરવામાં આવી હતી. આ હોસ્ટેલમાં માત્ર શિક્ષણ જ નહિ પરંતુ દીકરીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટેની વિવિધ શૈક્ષણિક અને ઈતર પ્રવૃતિઓ પણ કરાવવામાં આવેછે. કન્યા કેળવણી સાચા અર્થમાં સાર્થક બને, તથા દીકરીઓ સેલ્ફ ડિફેન્સ કરી શકે તે માટેની તાલીમ સાથે તેઓને મોટીવેટ પણ કરવામાં આવે છે. આ ગર્લ્સ હોસ્ટેલના સંચાલક જેતીબેન ચાવડા દ્વારા પોતાના અનુભવનો લાભ તમામ દીકરીઓને મળે છે.