ખંભાળિયાના ઠાકર શેરડી ગામે જામેલી જુગારની બે મહેફિલ પર પોલીસ ત્રાટકી : રૂા.સાડા ત્રણ લાખના મુદ્દામાલ સાથે ૧૧ શખ્સો ઝબ્બે

0

ખંભાળિયા પંથકમાં ગત સાંજે સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગમાં તાલુકાના ઠાકર શેરડી ગામે માળી ગામના એક શખ્સ સંચાલિત બે જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકી હતી. આ દરોડામાં ૧૧ શખ્સોને રૂપિયા સાડા ત્રણ લાખના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જાેશી તથા સ્ટાફ દ્વારા મંગળવારે સાંજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કાયદાકીય કામગીરી હેઠળ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમ્યાન અત્રેથી આશરે ૧૮ કિલોમીટર દૂર ઠાકર શેરડી ગામે પહોંચતા આ સ્થળે મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના માળી ગામે રહેતો ભાયા ગુસા જામ નામનો શખ્સ પોતાના અંગત ફાયદા માટે તેના કબજા ભોગવટાની વાડીમાં નાલ ઉઘરાવી, જુગારધામ ચલાવતો હોવાથી આ સ્થળે અહીંનો પોલીસ સ્ટાફ ત્રાટક્યો હતો. જેમાં એક ફિલ્ડમાંથી ભાયા ગુસા જામ (ઉ.વ. ૩૦, રહે. માળી) વેજા હરભમ અમર (ઉ.વ. ૨૧, રહે. ડાંગરવડ), વેજા પુંજા અમર (ઉ.વ. ૩૫, રહે. ડાંગરવડ), જેસા લખમણ સઠીયા (ઉ.વ. ૩૪, રહે. મોટા માંઢા), પ્રદિપસિંહ પ્રવિણસિંહ ગોહિલ (ઉ.વ. ૨૫, રહે. મોટા માંઢા) અને મુરુ ઉર્ફે મેરુ ગીગા મોઢવાડિયા (ઉ.વ. ૪૨, રહે. મોઢવાડા) નામના છ શખ્સોને દબોચી લીધા હતા. આ દરોડામાં પોલીસે રૂપિયા ૮૩,૫૦૦ રોકડા તથા રૂપિયા ૩૩ હજારની કિંમતના ૭ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા ૫૫ હજારની કિંમતના બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૧,૭૧,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી તમામ છ શખ્સો સામે જુગારધારાની કલમ ૪-૫ મુજબ કાર્યવાહી કરી હતી. આ જ સ્થળે અન્ય એક જુગારની ફિલ્ડમાંથી પોલીસે રણમલ જીવણ જામ (ઉ.વ. ૪૦, રહે. માળી) ઓઘળ લખમણ જામ (ઉ.વ. ૬૦ રહે. માળી), જીવા નાગા ઓડેદરા (ઉ.વ. ૩૩, રહે. આંબા રામા ગામની વાડી), વિક્રમ રામ ડાંગર (ઉ.વ. ૪૯, રહે. વિંજલપર), મેરામણ કારા આંબલીયા (ઉ.વ. ૩૨, રહે. સામોર અને ભાયા ગુસા જામ (ઉ.વ. ૩૦, રહે. માળી) નામના શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧,૧૨,૦૦૦ રોકડા તથા રૂા.૩૦,૫૦૦ ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા ૩૫ હજારની કિંમતના બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૧,૭૭,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. આમ, આ દરોડામાં કુલ રૂપિયા ૩,૪૯,૦૦૦ ના મુદ્દામાલ સાથે ૧૧ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

error: Content is protected !!