ખંભાળિયાના પોશ વિસ્તારમાં લુખ્ખા દારૂડિયાઓનો ત્રાસ : મહિલાઓ સહિત ડઝન જેટલા શખ્સો સામે ફરિયાદ અરજી

0

વેપારીઓ તથા રહેવાસીઓને કનડતા શખ્સો સામે કડક પગલાં લેવા માંગ

ખંભાળિયાના પોસ વિસ્તાર એવા બેઠક રોડ – નવી લોહાણા મહાજન વાડી નજીક પડ્યા પાથર્યા રહેતા લુખ્ખા તત્વો દ્વારા દારૂ પીને ધમાલ કરતા હોવા અંગેની સવિસ્તૃત લેખિત ફરિયાદ અરજી સ્થાનિકો દ્વારા જિલ્લા પોલીસ વડાને કરવામાં આવી છે. આ ફરિયાદ અરજીમાં જણાવવાયા મુજબ ખંભાળિયા શહેરના મહત્વના એવા આનંદ કોલોની નજીકના બેઠક રોડ પાસે નવી લોહાણા મહાજન વાડી નજીક ગેરકાયદેસર રીતે પડ્યા પાથર્યા રહેતા કેટલાક શખ્સો દારૂ પીને અવારનવાર ડખ્ખા કરે છે. આટલું જ નહીં, મહિલાઓ તથા શખ્સો દ્વારા કરવામાં આવતી બેફામ ગાળા ગાળીથી આ વિસ્તારના રહેવાસીઓ ત્રાસી ગયા છે. ખાસ કરીને આ વિસ્તારમાં રહેતા મહિલાઓ તથા બેઠક દર્શનાર્થે જતા મહિલાઓના ઔચિત્ય ભંગ થાય તેવી ગાળો તેમજ મારામારી અને લુખાગીરી સામાન્ય બની જતા આ વિસ્તારના રહીશો ત્રાસી ગયા છે. આ વિસ્તારના દુકાનદારો તેમજ રહીશો દ્વારા પોલીસમાં જાણ કરતા પોલીસની અટકાયતી પગલા જેવી સામાન્ય કામગીરી બાદ છૂટીને પરત આવતા આ શખ્સો બીજા દિવસે વેપારીઓને ધમકી આપે છે અને “જાે પોલીસને ફરિયાદ કરશે તો તમને ધંધો કરવા નહીં દઈએ”- તેમ કહી અને પોતાના માથા ઉપર પથ્થરના ઘા મારી અને વેપારી ઉપર ખોટી ફરિયાદ કરવાની ધમકીઓ આપતા હોવાનું પણ વધુમાં જણાવ્યું છે. સ્ત્રી આરોપીઓ પણ સ્થાનિકો ઉપર ખોટી ફરિયાદો કરી તેઓને ફસાવી દેવાની ધમકીઓ પણ આપતા હોવાનું આ ફરિયાદ અરજીમાં જણાવ્યું છે. કથિત રીતે અને અધિકૃત દબાણ ધરાવતા શખ્સો દારૂ પીને ખુલ્લેઆમ જુગાર રમતા હોવાનું તેમજ દાદાગીરી કરતા હોવાનું પણ વધુમાં જણાવ્યું છે. આમ, માથાભારે તથા ઝનૂની તત્ત્વો સામે પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તે હેતુથી બેઠક રોડ, નવી લોહાણા મહાજન વાડી પાસેના રહીશો અને વેપારીઓ દ્વારા સંયુક્ત સહીઓ સાથે એક ડઝન જેટલા મહિલાઓ-પુરૂષોના નામજાેગ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી, તાકીદે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

error: Content is protected !!