રાજકોટ જિલ્લામાં ‘વ્હાલી દીકરી યોજના’ અંતર્ગત ૧૨૯૭૦ દીકરીઓને મળ્યો લાભ, ત્રણ તબક્કામાં ચૂકવાઈ કુલ રૂા.૧,૧૦,૦૦૦ની સહાય

0

દીકરીઓના જન્મદરને વધારવા, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, બાળ લગ્ન અટકાવવા તેમજ દીકરીઓનું સર્વાંગી સશકિતકરણ કરવા રાજય સરકાર ‘બેટી બચાવો, બેટી પઢાઓ’, ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ સહિતની અનેક યોજનાઓ અને અભિયાનો ચલાવે છે. દીકરીઓ માટે આવી જ એક મહત્વની યોજના છે “વ્હાલી દીકરી યોજના”. રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૨માં ૧૨૯૭૦ દીકરીઓને “વ્હાલી દીકરી યોજના” યોજનાનો લાભ આપવા માટે અરજીઓ મંજૂર કરી હોવાનું રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેએ જણાવ્યુ છે. રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશથી ૨ ઓગસ્ટ ૨૦૧૯ બાદ જન્મેલ પ્રથમ ૩(ત્રણ) સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના અન્વયે પહેલા ધોરણમાં પ્રવેશ વખતે પ્રથમ હપ્તો રૂા. ૪,૦૦૦/-, ધોરણ-૯ માં આવે ત્યારે બીજાે હપ્તો રૂા. ૬૦૦૦/- અને દિકરી ૧૮ વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ/લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે રૂા. ૧,૦૦,૦૦૦/-ની સહાય મળીને કુલ રૂપિયા ૧,૧૦,૦૦૦/- ની સહાય મંજૂર કરવામાં આવે છે. આ યોજનાનું અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીની કચેરીએ તથા તાલુકા મામલતદાર કચેરીએથી મેળવી શકાશે. બે લાખની ઓછી વાર્ષિક આવક ધરાવનાર પરિવારને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે દંપતિના હયાત તમામ બાળકોના જન્મના દાખલા, રેશનકાર્ડની નકલ, નિયત નમુનામાં દંપતિનું સ્વઘોષણા પત્ર, દંપતિના લગ્નનું પ્રમાણપત્ર, દંપતિની સંયુકત આવકનો ચીફ ઓફિસર, માલતદાર, તાલુકા વિકાસ અધિકારી પૈકી કોઇ એકનો આવકનો દાખલો, દંપતિનું શાળા છોડયાના પ્રમાણપત્ર, દીકરી જન્મનું પ્રમાણપત્ર, આધારકાર્ડ રજૂ કરવાના રહેશે.

error: Content is protected !!