દ્વારકાના મીઠાપુર ખાતે બે ટ્રક વચ્ચે જીવલેણ ટક્કરમાં બેના મોત : બે ધાયલ

0

દેવભૂમિ દ્વારકાના મીઠાપુર નજીકના સુરજકરાડી હાઈવે ઉપર ગઈકાલે બપોરે બે ડમ્પર ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. આ સમગ્ર બનાવવા અંગે પોલીસ પુત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ઓખા મંડળના મીઠાપુર નજીકના ઓખા દ્વારકા ધોરીમાર્ગ ઉપર ગઈકાલે બપોરે આશરે પોણા ત્રણેક વાગ્યે પૂરઝડપે અને ગફલતભરી રીતે જઈ રહેલા જી.જે. ૩૭ ટી. ૯૫૭૨ નંબરના એક ડમ્પરના ચાલકે એક મંદિર નજીક સ્ટેરીંગ ઉપરનો કાબૂ ગુમાવતાં બે અન્ય એક ડમ્પર સાથે અકસ્માત સર્જ્‌યો હતો. આ અકસ્માત દરમ્યાન નજીક પસાર થઇ રહેલા એક વ્યકિત જે ફ્રુટની લારી ઉપર કામ કરતો હતો, તે તથા અન્ય એક વ્યકિત અડફેટે ચડતા તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે વ્યકિતને ઈજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અકસ્માતમાં એક ફ્રુટની લારી તથા એક બાઈકને હડફેટે ચડી હતી. ઉપરાંત બે વિજપોલ પણ જમીનદોસ્ત થયા હતા. આ ગમખ્વાર અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળાં એકત્ર થયા હતા અને થોડો સમય હાઈવે ઉપર ચકકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ જીવલેણ ટક્કરમાં મીઠાપુરમાં રહેતા દીપેશ ઉર્ફે દીપક જયંતીલાલ ઘાવડા(ઉ.વ.૪૨) તથા કુરાનુદિન નુરૂલ અન્સારી(ઉ.વ.૩૪) નામના બે યુવાનોના મૃત્યુ નીપજ્યા હોવાનું પોલીસમાં જાહેર થયું છે. ઘટનાની જાણ થતા મીઠાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક નિયમનની વ્યવસ્થા કરી હતી. આ સમગ્ર બનાવવા અંગે મૃતક દીપેશ ઉર્ફે દીપકના મોટાભાઈ ર્નિમલભાઈ જયંતીલાલ ઘાવડા(ઉ.વ. ૪૪, રહે. આરંભડા)ની ફરિયાદ ઉપરથી મીઠાપુર પોલીસે ડમ્પરના ચાલક સામે બે યુવાનોના મોત નીપજાવવા ઉપરાંત સરકારી માલ-મિલકતને નુકસાન પહોંચાડવા સબબ આઈ.પી.સી. કલમ ૩૦૪(અ), ૩૩૭, ૩૩૮, ૪૨૭, એમ.વી. એક્ટની કલમ ઉપરાંત પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની કાર્યવાહી ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

error: Content is protected !!