વિદેશોમાં પણ કેરી સપ્લાય માટે સોરઠના ૪૦૦ ખેડૂતોએ રજીસ્ટેન નોંધાવ્યું
સોરઠ પંથકની કેસર કેરી દુનિયાભરમાં પ્રખ્યાત છે. કેસર કેરીનો સ્વાદ માણવા માટે વિદેશોમાં પણ ભારે માંગ છે અને દર વર્ષે વિદેશોમાં પણ કેરીને સપ્લાય કરવામાં આવે છે. કેસર કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે અને વિવિધ માર્કેટીંગ યાર્ડોમાં કેરીના બોકસની આવક થઈ છે. વિદેશોમાં પણ કેરી મોકલવા માટે સોરઠ પંથકના ૪૦૦ ખેડૂતોએ રજીસ્ટેશન નોંધાવ્યું હોવાનું જાણવા મળે છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડોમાં કેરીની આવક શરૂ થઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે અને આ વર્ષે ૧પ દિવસ વહેલી સિઝન શરૂ થઈ છે અને જૂનાગઢ, રાજકોટ સહિતના માર્કેટીંગ યાર્ડમાં કેરીના બોકસ આવવા શરૂ થયા છે. દર વર્ષે કેસર કેરીની રાહ જાેવામાં આવતી હોય છે અને સિઝન શરૂ થતા જ સામાન્ય લોકોથી લઈ તમામ લોકો કેસર કેરીનો સ્વાદ હોશેહોશે માણતા હોય છે. ફળોની રાણી કેસર કેરીનો સ્વાદ મીઠો મધુરો અને દરેકને અત્યંત પ્રિય છે. ઉનાળાના સમયમાં અને ચોમાસા પહેલા મોટાભાગે કેરીની આવક શરૂ થઈ જતી હોય છે અને કેરી છુટથી મળી જતી હોય છે. તાજેતરમાં વિવિધ માર્કેટીંગ યાર્ડોમાં કેરીના બોકસ આવવા મંડયા છે. દર વર્ષે સામાન્ય રીતે એપ્રિલ મહિનાના અંતમાં કેસર કેરીની આવક જાેવા મળતી હોય છે. માર્ચ મહિનાનો આકરો તાપ કેરીના ફળ માટે ઘણો મહત્વનો હોય છે. ત્યારે આ વર્ષે વાતાવરણમાં આવેલા પલટાને કારણે મહંદ અંશે કેરીનો પાક નિષ્ફળ થવા પામ્યો છે. વિસાવદર તાલુકાના ગીર પંથકના ગામોમાં અને વંથલી તાલુકાના ગામોમાં વરસાદે તારાજી સર્જતા આંબામાં ફળ ખરણની સમસ્યા જાેવા મળી હતી. જેના કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવા પામ્યો છે. ઉપરાંત માર્ચ મહિનો કેરીના પાક માટે અત્યંત મહત્વનો હોય છે. તેવા સમયે આંબામાં રહેલી કેરીના ફળનો વિકાસ થવાનો સમય હોય છે. તે પહેલા ખાખડી હોય છે. જેમાં આકરો તાપ માટે પડતા તેનો વિકાસ થતા તે મોટું ફળ થવાની પ્રક્રિયામાં ચાલતી હોય છે. તેવા સમયે જ વરસાદ પડતા મોટાભાગના ફળો ખરી પડયા હતા. જેના કારણે ઉત્પાદન ઘટયું છે. આમ કેરીમાં ફળ ખરણની સમસ્યા સર્જાતા આ વર્ષે બાગાયતી ખેડૂતોએ વહેલા કેરીના ઉતારા કરવાનું આયોજન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે કેરીના ફળનો વિકાસ થયો ન હોય તે પહેલા ઉતારી લેવામાં આવતા કેરીના ખાવાના રસીકોમાં સ્વાદ કયાકને કયાંક આવતો ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આમ દર વર્ષની સરખામણીએ આ સમયમાં રપ થી ૩૦ હજાર જેટલા કેરીની બોકસની આવક નોંધાય છે અને ૧૦ કિલોના ભાવ પણ રૂા.૧૧૦૦ જેટલો બોલાય છે. પરંતુ કમોસમી વરસાદના કારણે બાગાયતી ખેડૂતો તેમજ કેરીના બાગના ઈજારો રાખનારએ આ વર્ષે તેના ભાવ મળશે કે નહી તે પણ હજુ નક્કી થઈ શકે તેમ નથી. દરમ્યાન જૂનાગઢ, રાજકોટ સહિતના માર્કેટીંગ યાર્ડોમાં કેરીની આવક તો શરૂ થઈ ગઈ છે. દરમ્યાન સોરઠ પંથકની કેરી ભારત બહાર પહોંચાડવા માટે પણ ખેડૂતો સજ્જ બન્યા છે અને ૪૦૦ જેટલા ખેડૂતોએ વિદેશમાં કેરીની નિકાસ કરવા માટે રજીસ્ટેશન નોંધાવ્યું હોવાનું જાણવા મળે છે.