ચલાણા દાનબાપુની જગ્યા ખાતે ૧૬ એપ્રિલે મોતી મહોત્સવ યોજાશે

0

કાઠિયાવાડમાં કાઠી જ્ઞાતિની મોતીકળાનો એક સમયે જબરો પ્રચાર પ્રસાર હતો. પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો, મકાનો બદલાતા, ગયા સત્તાધિશો બદલાતા રહ્યા, માણસ ઇલેક્ટ્રોનિક ગેજેટમાં વધુ ગૂંચવાતો ગયો. આ બધા પરિબળોથી મોતીકળાને પણ અસર પહોંચી છે. તેને હિસાબે વસતિના પ્રમાણમાં મોતીકળાનું કાર્ય ઘટ્યું છે. આથી તા.૧૬-૪-૨૦૨૩ના રોજ ચલાળા ખાતે અંશાવતારશ્રી પૂજ્ય દાનમહારાજની જગ્યામાં અનોખો ખાસ વિશિષ્ટ મોતી મહોત્સવ -૧ યોજાવા જઈ રહ્યો છે. આ મોતી મહોત્સવમાં કાઠિયાવાડમાંથી મોતીકળામાં જે માહેર કાઠી ક્ષત્રિય બહેનો છે, એવા ૩૫ ચુનંદા સર્જક બહેનો ભાગ લેનાર છે. આ બહેનો વેળાવદર, સુડાવડ, ચાણપા, મેવાસા, થાનગઢ, ખંપાળા ખાટડી, દહીડા, રાજુલા, તુરખા, દેવરાજિયા, શેલણા, રાજકોટ, બોટાદ, છોટાઉદેપુર, ગોંડલ, વીરનગર, દેવગામ, મોટા આંકડિયા, ટીંબલા, લુંઘીયા, નાની ખોડીયાર, પીપળલગ, ભાડ વાંકિયા, ભુવા, ઉમરાળા, મોટા દડવા, બરવાળા ઘેલાશા, ચલાળા વગેરે ગામોમાંથી ઉપસ્થિત રહેનાર છે. મોતી મહોત્સવમાં અખિલ ભારતીય ક્ષત્રિય સમાજ તરફથી મહંતશ્રી પૂજ્ય વલકુબાપુના હસ્તે સર્જક બહેનોનું મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવશે. કારણ કે આ કલાવંતા, ગુણવત્તા બહેનોએ મોતીકળા અને મૂરજાવા દીધી નથી. જેમનું એ અનન્ય પ્રદાન છે, જેની સમાજ અને પછીથી સરકાર જરૂર નોંધ લેશે. આ બહેનોએ પરંપરાગત હસ્તકલાને સાચવી રાખી છે, આ બહેનોએ એક થી એક ચડે એવા નમૂનાઓ બનાવી રહ્યા છે, તેમની આ કલા રાષ્ટ્રીય સ્તરે પહોંચે એ પ્રકારના પ્રયાસો આ મોતીકલા મહોત્સવથી આદરવામાં આવ્યા છે. ભવિષ્યમાં સમાજ અને સરકારનો સાથ લઈ મોટા આયોજનો વિચારી તમામ સર્જક બહેનોના કામ અને નામને બહાર લાવવાનો ઉમદા હેતુ રહેલો છે. મોતી મહોત્સવના આયોજકશ્રી એ મહોત્સવના ૨૦ ઉમદા ઉદ્દેશો જાહેર કરી તેમાં આ કલાની અગત્યતા અને શા માટે આ મહોત્સવ આપણે કરી રહ્યા છે, તેની વિગતો સ્પષ્ટ જાહેર કરી છે. તેથી તમામ જાતિ જ્ઞાતિમાં અઢારેય વર્ણમાં આ મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.

error: Content is protected !!