સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડે છે : ફરવા લાયક સ્થળોની મુલાકાત સાથે ધાર્મિક સ્થળોએ દર્શન કરી ધન્યતા અનુભવે છે
ગુજરાત અને દેશભરમાં રાજયકીય ઐતિહાસીક અને પ્રવાસન તેમજ ધાર્મિક દ્રષ્ટીએ પણ અત્યંત મહત્વનું શહેર એટલે આપણું જૂનાગઢ. આ શહેરમાં આવેલા ધાર્મિક સ્થળો તેમજ ફરવા લાયક સ્થળોની મુલાકાતે લાખો પ્રવાસીઓ વર્ષ દરમ્યાન આવતા હોય છે. શિવરાત્રીનો મેળો, પરિક્રમાનો મેળો, દાતારબાપુનો ઉર્ષ તેમજ અન્ય ધાર્મિક પ્રસંગોએ ભાવિકો દર્શનનો લાભ લેતા હોય છે. ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમો જૂનાગઢ નજીક આવેલ ભવનાથ તીર્થ ક્ષેત્ર અને ધાર્મિક જગ્યાઓમાં યોજાતા હોય છે. આ સાથે જ સંતવાણીના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે. રાજશાહી યુગ અને નવાબી શાસન સમયગાળામાં પણ જૂનાગઢ સ્ટેટનો દરજ્જાે અને માનમોભો શ્રેષ્ઠ નગરી તરીકે હતો અને આજે ડીઝીટીલ યુગમાં પણ જૂનાગઢની શાનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ શહેરમાં વર્ષ દરમ્યાન આવતા લાખો પ્રવાસીઓને અનેક ફરવા લાયક સ્થળોનો જૂનાગઢના આંગણે જ લ્હો મળે છે. આ ઉપરાંત અહીં આવનાર પ્રવાસી જનતા વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ અને દર્શન કરી અને ધન્યતા અનુભવે છે.
આધ્યશકિત નરસિંહ મહેતાની ભૂમિ એવા જૂનાગઢ અને તેની તદન નજીક આવેલા વિવિધ ફરવા લાયક સ્થળો તેમજ ભવનાથનું તીર્થધામ આજે પ્રવાસી જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. ગરવા ગિરનારની ટોચ ઉપર બીરાજતા અંબાજી માતાજી, ભગવાન ગુરૂ દતાત્રેય, સુપ્રસિધ્ધ ભવનાથ મહાદેવ, લંબે હનુમાનજી મહારાજ, જટાશંકર મહાદેવ, જૈનોના દેરાસર ઉપરાંત કોમી એકતાના પ્રતિક સમા ઉપલા દાતારબાપુની પાવનકારી જગ્યા કે જયાં ભાવિકો દર્શન માટે ઉમટી પડે છે. આ ઉપરાંત નરસિંહ મહેતા ચોરો તેમજ ભવનાથ ગેઈટમાંથી પ્રવેશ કરો એટલે તીર્થ ક્ષેત્રોની શરૂઆત થઈ જાય છે. સુપ્રસિધ્ધ વાઘેશ્વરી માતાજીનું મંદિર, ગાયત્રી માતાજી મંદિર, નરસિંહ મહેતાની જયાં આજે પણ કરતાલ સંભળાઈ છે તેવો દામોદર કુંડ તેમજ રાધાદામોદરજી મંદિર અને ત્યારબાદ ભવનાથ વિસ્તારના અનેક ધાર્મિક સ્થળો, સંતોના પવિત્ર ધામો જયાં પગ મુકતા જ મનની શાંતી અને ધાર્મિકતાની સુંગધ સાથે ભાવિકો ઓતપોત્ર બની જાય છે અને પ્રકૃતિના અનમોલ ખજાના વચ્ચે જીવ અને શિવ સાથેનું જાણે જાેડાણ થાય છે તેવી અનુભુતી ભવનાથ વિસ્તારમાં થતી હોય છે. સમ્રાટ અશોકનો શિલાલેખ સહિતના જાેવા લાયક અને ફરવા લાયક સ્થળો આવેલા છે. આ ઉપરાંત ભવનાથ ક્ષેત્રની બહાર નીકળતા જ જૂનાગઢ સીટીમાં જ આવેલું સક્કરબાગ પ્રાણી સંગ્રાહલય, ઐતિહાસીક ઉપરકોટ તેમજ સરદાબાગ ખાતે આવેલા સંગ્રાહલય, વિલીંગ્ડન ડેમ સહિતના અનેક સ્થળો આ શહેરની આન, બાન અને શાનમાં વધારો કરે છે. જૂનાગઢ શહેરમાં આવેલા પ્રવાસીઓ આ વિવિધ સ્થળોની મુલાકાત બાદ સત્તાધાર ધામ, પરબ ધામ, વિશ્વ વિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર, સાસણ સહિતની મુલાકાતે પણ જતા હોય છે. જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોને આવરી લેતી પ્રવાસન અને ધાર્મિક રીતે પણ જાેડતી એક સર્કીટ શરૂ કરવાની માંગ અને લાગણી પ્રવાસી જનતામાં રહેલી છે.