છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર આ સંદર્ભે એક્શન મોડમાં આવી છે. જેના અનુસંધાને ગઈકાલે સોમવારે સમગ્ર રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં કોવિડ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં ખાસ કરીને કોરોના સામેની તૈયારીના ભાગરૂપે ઓક્સિજન, વેન્ટિલેટર, તેમજ જરૂરી દવાઓની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત અહીંની હોસ્પિટલમાં જાે કોરોનાના કેસ વધે તો ઓક્સિજન, વેન્ટિલેટર અને દવાઓના ઉપલબ્ધ સ્ટોક અંગેની જાણકારી મેળવવામાં આવી હતી. આ મોકડ્રીલ દરમ્યાન હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. મનોજકપુર, આર.એમ.ઓ. ડો. કેતન ભારથી, એમ.ડી. ફિજીશિયન ડો. નરેશ દેથરીયા તેમજ હોસ્પિટલ સ્ટાફ દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી.