જાહેર-ખાનગી સ્થળો કે ઘરકુટુંબોમાં શારીરિક-માનસિક હિંસાનો ભોગ બનેલી કોઈપણ જ્ઞાતિ-જાતિ, ધર્મ-સંપ્રદાય, ઉંમરના ભેદભાવ વિના મહિલાઓની સલામત-સુરક્ષા એટલે “સખી – વન સ્ટોપ સેન્ટર”

0

રાજકોટમાં અત્યાર સુધીમાં ૧૧૨૧ મહીલાઓને આશ્રય, ૯૮ ને તબીબી સહાય, ૧૯૬ને પોલીસ સહાય, ૧૯૪ને કાયદાકીય સહાય, ૨૪૪૪ મહિલાઓનું કાઉન્સેલિંગ કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે મહિલા સશક્તિકરણ, સલામતી અને સુરક્ષા માટે અનેક નક્કર પગલાં લીધા છે. જે મુજબ ગૃહ મંત્રાલય દ્વારા “ર્નિભયા ફંડ” અન્વયે અનેકવિધ પ્રોજેક્ટ અમલમાં છે ત્યારે ભારત સરકાર પુરસ્કૃત અને રાજ્યના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા ઓગસ્ટ, ૨૦૧૬થી “સખીઃ વન સ્ટોપ સેન્ટર” યોજના શરૂ કરવામાં આવી છે. ભારતના દરેક જિલ્લામાં હોસ્પિટલ કેમ્પસની અંદર તેમજ બે કિલોમીટરની આસપાસ “સખી વન સ્ટોપ સેન્ટર” કાર્યરત કરવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત પીડિત-શોષિત મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે તમામ રાજ્યોમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિક આશ્રય તથા સંકલિત સેવાઓ ૨૪*૭ કલાક તથા ૩૬૫ દિવસ મળી રહે છે. રાજકોટ જિલ્લામાં તા.૧ સપ્ટેમ્બર, ૨૦૧૭ થી અવિરત કાર્યરત “સખીઃ વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપતાં રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનિબેન દવેએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલા સીસીટીવી કેમેરાથી સજજ “સખીઃ વન સ્ટોપ સેન્ટર” ખાતે જાહેર કે ખાનગી સ્થળો ઉપરાંત કાર્યસ્થળો કે ઘરકુટુંબોમા શારીરિક, માનસિક હિંસાનો ભોગ બનેલી મહિલાઓ કોઈદપણ જાતના જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, વૈવાહિક દરજ્જાે, શિક્ષણ કે ઉંમરના ભેદભાવ વિના આ સેવાઓનો લાભ લઈ શકે છે. “સખીઃ વન સ્ટોપ સેન્ટર”ના નવનિર્મિત બિલ્ડિંગમાં પીડિતાઓ માટે આશ્રય રૂમ, બે કાઉન્સેલિંગ રૂમ સહિતની આધુનિક સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સેન્ટરમાં પીડિત મહિલાઓને વધુમાં વધુ પાંચ દિવસ સુધી હંગામી ધોરણે આશ્રય સાથે રહેવાની, ભોજન, ચા-નાસ્તો, કપડા, અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુ વિનામુલ્યે પૂરી પાડવામાં આવે છે. પીડિતાઓનો આત્મવિશ્વાસ વધે, પોતાના જીવનનો ર્નિણય લઇ શકે, હિંસા સામે ન્યાય મેળવી શકે તે માટે તજજ્ઞ કાઉન્સેલરો દ્વારા યોગ્ય પરામર્શ સાધી જરૂર પડ્યે પીડિત મહિલાઓને તમામ પ્રકારની તબીબી સહાય જેવી કે લેબોરેટરી, એકસ-રે, સોનોગ્રાફી, ઇમરજન્સી સારવાર તાત્કાલિક ધોરણે પુરી પાડવામાં આવે છે. પીડીતાને જિલ્લા કાનુની સત્તામંડળ દ્વારા સરકારી વકીલની મદદથી એફ.આઇ.આર., ડી.આઇ.આર. દાખલ કરવા માટે પોલીસ અને કાયદાકીય સહાય સાથે યોગ્ય દિશાસુચન આપવામાં આવે છે. મહિલાઓના આર્થિક ઉત્કર્ષ માટે તાલીમ પણ આપવામાં આવે છે. “સખીઃ વન સ્ટોપ સેન્ટર”નાં કેન્દ્ર સંચાલક યાસ્મિનબેન ઠેબાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં તા.૧ સપ્ટેમ્બર, ૨૦૧૭ થી અવિરત કાર્યરત “સખીઃ વન સ્ટોપ સેન્ટર” દ્વારા મહિલાઓને અનેકવિધ સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે, ત્યારે શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ઘરેલુ હિંસામાં ૧૮૬૯, જાતીય હિંસામાં ૪૯, બળાત્કારમાં ૩૫, એસિડ એટેકમાં ૦૩, બાળકો પર જાતીય હિંસામાં ૪૨, બાળ લગ્નમાં ૦૧, સાયબર ક્રાઇમમાં ૦૨, દહેજમાં ૨૭, મિલકત પારિવારિક જેવા અન્ય કેસ ૪૫૫ સહિત કુલ ૨૪૮૩ થી વધુ મહિલાઓને આ સેવાનો લાભ આપવામાં આવ્યો છે. “સખીઃ વન સ્ટોપ સેન્ટર” ખાતે અત્યાર સુધીમાં ૧૧૨૧ મહીલાઓને આશ્રય, ૯૮ ને તબીબી સહાય, ૧૯૬ ને પોલીસ સહાય, ૧૯૪ ને કાયદાકીય સહાય તથા ૨૪૪૪ મહિલાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. “સખીઃ વન સ્ટોપ સેન્ટર” ખાતે આવતા મોટા ભાગના કેસોમાં સમાધાન કરાવી પરિવાર સાથે મહિલાઓનું સુખદ મિલન કરાવવામાં આવે છે. પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યા બાદ મહિલાને કોઈ અન્ય પરેશાનીઓનો સામનો કરવો પડે છે કે કેમ ? પીડિત મહિલા પરિવાર સાથે ખુશ છે ? તે અંગે ફોન દ્વારા તેમજ ગૃહ મુલાકાત કરી સમયાંતરે ફોલો-અપ પણ કરવામાં આવે છે. મહિલાઓને સલામતી સાથે વિકાસશીલ વાતાવરણ પૂરૂ પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર મહિલા કલ્યાણકારી યોજનાઓ થકી મહિલા સશક્તિકરણમાં સમગ્ર દેશમાં અગ્રેસર રહી અન્ય માટે રાહબર બન્યું છે ત્યારે રાજ્યભરમાં શરૂ કરાયેલા “સખીઃ વન સ્ટોપ સેન્ટર” ખરા અર્થમાં મહિલાઓ માટે “સખી” સાબિત થયા છે.

error: Content is protected !!