જૂનાગઢમાં મીરાનગર વિસ્તારમાં એક જ રાતમાં બે સ્થળે ચોરીની ઘટના સામે આવી છે. વતનમાં ગયેલા એક પરિવારના બંધ મકાનના તાળા તોડીને તસ્કરો રોકડા રપ હજાર અને ચાંદીના સિક્કા ચોરી ગયા છે. જયારે સોસાયટીમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં દાનપેટી તોડીને અંદર રહેલ રોકડા રકમની ચોરી થયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. જૂનાગઢમાં મીરાનગર ગ્રીનવુડ ટાઉનશીપ બ્લોક ૬૪માં રહેતા અને મહિન્દ્રા શો રૂમમાં નોકરી કરતા સચીન નટવરલાલ ચોટલીયા તા.૮ના રોજ પરિવાર સાથે તેમના વતન ચાપરડા ગયેલા હતા અને પાછળથી રાતે તેમના ઘરમાં ચોર ઘુસ્યા હતા. તસ્કરોએ તેમના બંધ મકાનના તાળા તોડીને કબાટમાંથી રોકડા રપ હજાર તેમજ ચાંદીના સિક્કા, ચાંદીની ગાય અને ચાંદીના લક્ષ્મીજીની મૂર્તિ સહિતની માલમતા ચોરી ગયા હતા. તેમજ સોસાયટીમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં રાખેલી દાનપેટી તોડીને અંદરથી ૬ હજાર જેટલી રોકડ ચોરી ગયા હતા. આમ બંને સ્થળેથી કુલ ૩૧પ૦૦ની ચોરી થયાની ફરિયાદ સચીનભાઈએ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.