પાછતર આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાઓની તપાસ તથા નિદાન કરવામાં આવ્યા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષા અભિયાન અંતર્ગત ભાણવડ તાલુકાના પાછતર આરોગ્ય કેન્દ્ર પર સગર્ભા મહિલાઓની તપાસ માટેના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાણવડ તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રકાશ ચાંડેગ્રાના માર્ગદર્શન હેઠળ પાછતર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતાઓના તપાસ માટે યોજવામાં આવેલા આ કેમ્પમાં ખંભાળિયાની એક ખાનગી હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. ચંદ્રકાન્ત જાદવ દ્વારા સગર્ભા માતાઓની તપાસ વિના મૂલ્યે કરી આપવામાં આવી હતી. જેમાં જરૂરી નિદાન સાથે આરોગ્ય શિક્ષણ તથા સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં લાભાર્થીઓને લાવવા તેમજ પરત મુકવા “ખિલખિલાટ” વાનની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. જેમાં અનુષ્કા ફાઉન્ડેશનના પ્રતિનિધિ દ્વારા ક્લબ ફૂટ વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ૧૩૦ થી વધારે સગર્ભા માતાઓની વિના મૂલ્યે તપાસ, લોહીના ટકાની તપાસ, વજન, ઊંચાઇ અને સગર્ભા માતાવસ્થા દરમ્યાન રાખવામાં આવતી સમગ્ર સંભાળ વિશે ડો. પ્રકાશ અને ડો. ચંન્દ્રકાન્ત જાદવ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કેમ્પના સુવ્યવસ્થિત આયોજન માટે સમગ્ર પાછતર ટીમના મેડિકલ ઓફિસર, ડો. વિશ્વા સીનોજિયા અને તેમની ટીમને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

error: Content is protected !!