ઓખામાં નિવૃત્ત અધિકારીના બંધ મકાનમાં તસ્કરોના પરોણા : રૂા.૧.૮૩ લાખના મુદ્દામાલની ચોરી

0

બંધ મકાનમાં ખાતર પાડનારા તસ્કરોની શોધખોળ

ઓખામાં રહેતા એક વૃદ્ધ દંપતી તેમનું રહેણાંક મકાન બંધ કરીને કચ્છ ગયા બાદ પાછળથી આ મકાનમાં ઘરફોડી થઈ હતી. જેમાં રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના મળી, કુલ રૂપિયા ૧.૮૩ લાખનો મુદ્દામાલ ચોરાઈ ગયાનું પોલીસમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખાના નવીનગરી વિસ્તારમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડની સામેના ભાગે રહેતા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી, વર્ષ ૨૦૧૪માં નિવૃત્ત થયેલા હિંમતલાલભાઈ ગોપાલભાઈ યાદવ નામના ૬૮ વર્ષિય કડિયા મિસ્ત્રી વૃદ્ધ તેમના ધર્મપત્ની ભારતીબેન સાથે ગત તારીખ બીજી એપ્રિલના રોજ સવારના સમયે તેમના સસરાના ઘરે કચ્છ ખાતે ગયા હતા. જે અંગેની જાણ તેમના દ્વારા પરિચિત એવા એક-બે વ્યક્તિઓને પણ કરવામાં આવી હતી. કચ્છથી તેઓ તારીખ ૧૦ એપ્રિલના રોજ સવારના સમયે ઓખા ખાતે તેમના ઘરે પરત ફર્યા હતા, ત્યારે તેમને રસોડામાં આવેલી બારીનો સળીયો તૂટેલો જાેવા મળ્યો હતો અને લોખંડની ઝારી નીકળી ગયેલી હાલતમાં નીચે પડેલી જાેવા મળી હતી. બાદમાં તેઓએ અંદર જઈને જાેતા તેમના ઘરના ખુલ્લા કબાટ તેમજ માલસામાન વેર વિખેર સાંપળતા કોઈ શખ્સોએ તેમના ઘરે ચોરી કર્યાનું ખુલવા પામ્યું હતું. જે અંગે તેઓએ જાેતા તેમના દ્વારા જુદા જુદા કબાટમાં રાખવામાં આવેલા કુલ રૂપિયા ૯૦,૦૦૦ રોકડા તથા સોનાનો ચેન, સોનાનો હાર, ચાંદીના સાકરા, પગમાં પહેરવાની માછલી વિગેરે મળી કુલ રૂપિયા ૯૩,૦૦૦ ની કિંમતના સોના- ચાંદીના દાગીના પોતાના ઘરમાંથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આથી કુલ રૂપિયા ૧.૮૩ લાખના મુદ્દામાલની ચોરી થવા સબબ ઓખા મરીન પોલીસ મથકમાં હિંમતલાલભાઈ યાદવે ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે પોલીસ આઈપીસી કલમ ૪૫૪, ૪૫૭ તથા ૩૮૦ વિગેરે મુજબ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં તપાસની અધિકારી પી.એસ.આઈ. ડી.એન. વાંઝા દ્વારા ડોગ સ્કવોડ તથા એફએસએલ નિષ્ણાંતોની સેવાઓ લઈને તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

error: Content is protected !!