આગામી તા. 16 અને 23 એપ્રિલના રોજ ખાસ ઝુંબેશ યોજાશે
ખંભાળિયા સ્થિત જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે રાજકીય પક્ષો સાથે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મીટીંગમાં જિલ્લા કલેકટર શર્માએ જણાવ્યું હતું કે, હાલમાં તા. 23 એપ્રિલ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી રવિવાર તારીખ 16 તથા 23 એપ્રિલના રોજ ખાસ ઝુંબેશના દિવસોના રોજ જિલ્લાના તમામ મતદાન મથકોએ તા. 1 એપ્રિલની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. જેમાં લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં 18 થી 19 વર્ષની વય ધરાવતા હોય તેવા નાગરિકોના નામ નોંધણી કે ઉમેરવાના બાકી હોય તેઓને માટે આ ઝુંબેશ મહત્વની રહેશે.
નાગરીકો સરળતાથી પોતાના નામની નોંધણી કરાવી શકશે. વધુમાં જણાવ્યું હતું કે, તા. 01-10-2023 સુધીમાં 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા વ્યક્તિઓ પણ મતદારયાદીમાં નામ નોંધણી માટે ફોર્મ નં.6 ભરી શકશે
આગામી સમયમાં જ્યારે તેઓને 18 વર્ષ પૂર્ણ થશે ત્યારે તેનો નિર્ણય કરવામાં આવશે. ત્યારબાદ તેઓનું નામ મતદારયાદીમાં દાખલ કરવામાં આવશે.
જિલ્લામાં હાલ કુલ 5,93,309 મતદારો છે. જિલ્લાનો જેન્ડર રેશિયો 945 તેમજ ઈ.પી. રેશિયો 70.50 ટકા છે.
આ ખાસ ઝુંબેશ અંતર્ગત તા. 16 તથા 23 એપ્રિલના રોજ સવારે 10 થી સાંજે 5 સુધી જિલ્લાનાં તમામ વિધાનસભા મત વિભાગમાં પ્રત્યેક મતદાન મથકો ખાતે બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. જ્યાં મતદારયાદીની વિગતો ચકાસી શકશે તેમજ મતદારયાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકશે.
આ ઉપરાંત મતદાર યાદીમાં રહેલા મતદારો પૈકી લાગુ કિસ્સામાં નામ કમી કરવા, ફોટો કે વિગતો સુધારવા માટે, સ્થળ ફેરફાર માટે તેમજ એપિક (EPIC) કાર્ડનું આધાર કાર્ડ સાથે લીંક કરવા ફોર્મ નં. 6-બી ફોર્મ ભરીને રજૂ કરી શકશે. નિયત નમૂનામાં કોરા ફોર્મ્સ મતદાન મથક ખાતે ઉપસ્થિત બૂથ લેવલ ઓફિસર પાસે ઉપલબ્ધ રહેશે.
જો કોઈ મતદાર ઓનલાઈન ફોર્મ ભરવા માંગે તો વોટર હેલ્પલાઇન એપ્લિકેશન (Voter Helpline Application) મોબાઈલમાં ડાઉનલોડ કરી અરજી કરી શકાશે. આ ઉપરાંત www.voterportal.eci.gov.in અને voters.eci.gov.in વેબસાઈટ પર જઈ સરળતાથી ફોર્મ ભરી શકે છે. જેમાં તેઓએ જરૂરીયાત મુજબના સ્વયં પ્રમાણિત પુરાવા અપલોડ કરવાના રહેશે.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થા ડાંગર, મામલતદાર તેમજ રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.