ખંભાળિયાની મેઈન બજારના ગાંધીચોકની દુર્દશા : તંત્રની નિષ્ક્રિયતા સામે વેપારીઓનો ઉગ્ર રોષ

0

પાલિકા તંત્રને સામુહિક લેખિત રજૂઆતો કરાઈ

ખંભાળિયામાં વર્ષો જૂની અને મહત્વની એવી મેઈન બજારમાં આવેલા ગાંધી ચોક ખાતે છેલ્લા ઘણા સમયથી ગંદકી, ટ્રાફિક નિયમનનો અભાવ તેમજ રખડતા ઢોરના ત્રાસથી વેપારીઓ ગળે આવી ગયા છે. આ મુદ્દે ગઈકાલે ગુરૂવારે વેપારીઓએ સંયુક્ત સહીઓ સાથે નગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરી છે. ખંભાળિયાની મેઈન બજારમાં આવેલા ગાંધી ચોક (દરબારગઢ) વિસ્તાર કે જ્યાં બે મહત્વની રાષ્ટ્રીયકૃત બેંકો ઉપરાંત શાક માર્કેટ પણ આવેલી છે. અહીં અનેક મોટી દુકાનો તેમજ ધંધાકીય એકમો વચ્ચે દરબારગઢ ચોકમાં પ્રાથમિક પાયાની સુવિધાનો અભાવ જાેવા મળી રહ્યો છે. અહીં નિયમિત રીતે પૂરતી સાફ-સફાઈ કરવામાં આવતી નથી. જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળે છે. આ ઉપરાંત અહીં રખડતા ઢોર તેમજ આખલાઓના યુદ્ધ સામાન્ય બની રહ્યા છે. જેનો ભોગ અહીં રાખવામાં આવેલા વાહનો બને છે. દરબારગઢ વિસ્તારમાં ટ્રાફિક નિયમનના અભાવ વચ્ચે પાર્કિંગ સુવિધા ન હોવાથી અહીંના વેપારીઓ વ્યાપક હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ માટે અહીં આયોજનબદ્ધ રીતે પાર્કિંગ વ્યવસ્થા તેમજ ચોકની વચ્ચે ફુવારા જેવા સુશોભન કરવામાં આવે તેવી માંગ સાથે આ ગંભીર મુદ્દે આ વિસ્તારના વેપારીઓ વિગેરે દ્વારા સંયુક્ત સહીઓ સાથે નગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરી, તાકીદે નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પત્રની નકલ જિલ્લા કલેકટર તથા પ્રાંત અધિકારીને પણ મોકલવામાં આવી છે.

error: Content is protected !!