માંગરોળ સબ જેલમાં બંધ કેદીઓએ જેલમાં “પૈસા ફેંક, તમાશા દેખ” માફક ચાલતા લોલંલોલ વહિવટના કરેલા આક્ષેપો વાળા વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં હડકંપ મચી ગયો હતો. પોલીસે તાત્કાલિક જેલમાં ચેકિંગ હાથ ધરી એક મોબાઈલ અને તમાકુના ૪ પડીકીઓ કબ્જે કરી, કેદી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ત્યારે મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં પહોંચી કઈ રીતે ? તે પણ સવાલ ઉઠયો છે. કથિત નાંણાકીય વહીવટ થકી કેદીઓને પુરી પાડવામાં આવતી સવલતો અંગે વાયરલ થયેલા વિડીયોમાં અધિકારી સહિત બે વ્યકિતઓ ઉપર ગંભીર આક્ષેપો કરાયા હતા. એક વિડીયોમાં કાગળ પર ત્રણ અલગ અલગ નંબરો લખેલા દર્શાવાયા હતા. જે પૈકી બે નંબરો ઉપરથી કેદી પાસેથી મોટી રકમ લઈ સગા સંબંધીઓ, મિત્રો સાથે વાતચીત કરાવવામાં આવતી હોવાનું જણાંવાયુ હતું. આ ઉપરાંત અન્ય એક નંબર ઉપરથી દારૂની બોટલ, નોનવેજ મંગાવવામાં આવતું હોવાનો ઉલ્લેખ કરી તમામ નંબરોની કોલ ડિટેઈલ તપાસવામાં આવે તો સત્ય ઉજાગર થાય તેવું કહેવાયું હતું. આ ઉપરાંત જેલમાં તમાકુની પડીકીઓ, સિગારેટના પાકીટો, ચુનાના પાઉચ પણ ઉપલબ્ધ હોવાનું એક વિડીયોમાં દ્રશ્યમાન થતું હતું. પૈસા લઈને આ વ્યવસ્થા કરી આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. એક વિડીયોમાં કેદીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા સામે પણ પ્રશ્ન ઉઠાવાયો હતો. વધુમાં જેલની અંદર આવતી વસ્તુઓ ફક્ત અને ફક્ત વહિવટથી જ આપવામાં આવતી હોવાના આક્ષેપો કરાયા હતા. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ડીવાયએસપી દિનેશ કોડીયાતર સહિતના પોલીસ સ્ટાફે જેલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. કેદીઓને રાખવામાં આવે છે તે ત્રણ બેરેકો ચેક કરવામાં આવી હતી. જે પૈકી બેરેક નં.૨ની બાજુમાં જમીનમાં દાટેલ સિમકાર્ડ વિનાનો સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ તથા તમાકુની ૪ પડીકી મળી આવ્યા હતા. પોલીસે જેલમાં અનધિકૃત રીતે મોબાઈલ અને તમાકુ ઘુસાડવા બદલ કેશોદના સુતરેજ ગામના હાલ જેલમાં બંધ કેદી જીતુ નાથાભાઈ સુત્રેજા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.