રીસામણે રહેતી પત્ની કપડાં લેવા ઘરે ગયેલ ત્યારે પતિ આવી પહોંચતા સર્જાયો હત્યાકાંડ : ઘટનાને આત્મહત્યામાં ખપાવવા આરોપી પતિએ પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું
વેરાવળમાં રખડુ પતિએ દાંપત્ય ઝઘડાઓને લઈ પત્નીને મોબાઈલ ચાર્જીગ કેબલ વડે ગળેટૂંપો આપી હત્યા નિપજાવી નાખ્યાની ઘટના સામે આવતા અરેરાટી પ્રસરી છે. આ ઘટનામાં દંપતીએ સાથે આત્મહત્યા કરી હોય તેમાં ખપાવવા માટે આરોપી પતિએ પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાય રહ્યું છે. હાલ તે સારવાર હેઠળ હોવાથી બચી ગયેલ છે. પરંતુ બે માસુમ બાળકો નોધારા બની ગયેલ છે. આ મામલે મૃતકના ભાઈની ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ચકચારી ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળની શારદા સોસાયટીમાં વિજય ધનસુખ વાજા(ઉ.વ.૩૬) તેમના પત્ની રાધિકાબેન (ઉ.વ.૩૧) તથા બે સંતાનો સાથે રહે છે. પંદર દિવસ અગાઉ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા રાધિકાબેન તેમના બંન્ને બાળકો સાથે રીસામણે રહેવા ચાલ્યા ગયા હતા. બાદમાં વિજય પણ બહારગામ જતો રહ્યો હતો. દરમ્યાન ગઈકાલે બપોરના એકાદ વાગ્યે રાધિકાબેન બાળકોના કપડા લેવા અર્થે મકાને ગયેલ તે સમયે તેમનો પતિ વિજય પણ બહારગામથી આવી પહોંચેલ હતો. ત્યારે વિજયએ પત્ની રાધિકાને રૂમમાં અંદર લઈ જઈ દરવાજાે બંધ કરીને મોબાઈલ ચર્જીગ વાયર વડે ગળેટૂંપો આપી હત્યા કરી નાંખી હતી. બાદમાં વિજયએ પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા આસપાસના લોકોએ દોડી જઈ બંન્નેને સારવાર અર્થે સરકારી હોસ્પીટલએ ખસેડેલ હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે અને હોસ્પીટલએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. આ ઘટના અંગે મૃતકના ભાઈ જીજ્ઞેશ વાઘેલાએ તેમના બનેવી વિજય ધનસુખ વાજા સામે પોતાની બહેનની હત્યા નિપજાવી નાંખયાની ફરીયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પીઆઈ એસ.એમ. ઈશરાણીએ જણાવેલ કે, વિજય અને રાધિકા વચ્ચે ૧૨ વર્ષના દાંપત્ય જીવનમાં ૧૦ અને ૭ વર્ષના બે બાળકો છે. છેલ્લા ઘણા સમયથી વિજય કંઈ કામ ધંધો ન કરી રખડતો હોવાથી દંપતી વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હતા. જેમાં થોડા સમય પૂર્વે રાધિકાબેનના દાગીના વિજયએ વહેચી નાંખેલ હોય જેને લઈ ઝઘડો થતા તે બાળકો સાથે રીસામણે રહેવા ચાલી ગઈ હતી. ત્યારબાદ આજે બંન્ને વચ્ચે ભેટો થતા વિજયએ ગળેટૂંપો આપી હત્યા નિપજાવી નાંખી હતી.
પતિએ આત્મહત્યા કરી હોય તેવું દર્શાવ્યું
વધુમાં પીઆઈ ઇશરાણીએ જણાવેલ કે, આ હત્યાની ઘટનાને આત્મહત્યામાં ખપાવવા માટે આરોપી પતિ વિજયએ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લઈ બંન્નેએ સાથે આત્મહત્યા કરી હોય તેવું દર્શાવવા પ્રયાસ કરેલ પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં આવું કઈ ન હોવાનું જણાય રહ્યુ છે. હાલ વિજય સારવાર હેઠળ હોય જે સ્વસ્થ થયા બાદ તેની પુછપરછમાં કારણ વધુ સ્પષ્ટ અને ચોક્કસ થશે.