ગૃહ રાજ્યમંત્રીને પોલીસ પ્લાટૂન દ્વારા આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનર : ટ્રેડમિલ, ડમ્બેલ્સ, મલ્ટી ફંક્શનલ મશીન, રોપ કેબલ વગેરે જેવા ૨૦ અદ્યતન સાધનોથી સજ્જ જીમ
ગીર સોમનાથ જિલ્લા પોલીસ ભવન, ઈણાજ ખાતે પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ પરિવારની શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તેવા હેતુસર ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે અદ્યતન જીમ્નેશિયમનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ જીમનું નિર્માણ HPCL-LNG લિમિટેડ કોડીનારના સહયોગ તેમજ ગુજરાત પોલીસ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત આ જીમમાં ગુજરાત પોલીસ દ્વારા બે એ.સી, મિરર, સાઉન્ડ સિસ્ટમ, લાઈટિંગ, ચેન્જરૂમ સહિતની સુવિધાઓ પણ કાર્યરત કરાઈ છે. આ જીમ ટ્રેડમિલ, ડમ્બેલ્સ, મલ્ટી ફંક્શનલ મશીન, રોપ કેબલ વગેરે જેવા ૨૦ અદ્યતન સાધનોથી સજ્જ છે. આ જીમની યોગ્ય રીતે જાળવણી થાય અને પદ્ધતિસર તેનો ઉપયોગ થાય તેવા હેતુસર જીમ ટ્રેનરની પણ નિમણૂક કરવામા આવી છે. આ જીમનો ઉપયોગ કરનાર પોલીસ કર્મચારીઓને યોગ્ય માહિતી તથા માર્ગદર્શન મળી રહે એવા હેતુસર વિવિધ ડાયેટ ચાર્ટ પણ પૂરા પાડવામા આવશે અને આગામી સમયમાં સમયાંતરે વિવિધ તજજ્ઞો દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લઈ કેમ્પ તેમજ સેમિનાર પણ યોજવામાં આવશે. આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા, નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના આગેવાનો તેમજ જૂનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તેમજ પોલીસ વિભાગના શીર્ષ અધિકારીઓ અને કર્મચારીઓની પણ ઉપસ્થિતી રહી હતી.