ખંભાળિયા નગરપાલિકા દ્વારા મ્યુ. ગાર્ડન ખાતે આવેલા નગરપાલિકાના યોગકેન્દ્ર ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી રાજ્યમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેના સફળતાપૂર્ણ ૨૦ વર્ષ પુરા થયા છે. આ પ્રસંગે નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુલ માધ્યમથી લાઈવ જાેડાયા હતા. તેમાં તેઓએ અરજદારો સાથે ૨૦ વર્ષ જૂની વાતો વાગોળી હતી. એટલું જ નહીં, લાભાર્થીઓ સાથે હળવા મૂળમાં સીધો સંવાદ કર્યો હતો. દીકરા-દીકરીઓને ભણાવવા માટે તેમણે ટકોર પણ કરી હતી. જ્યારે આયુષમાન કાર્ડ, મા કાર્ડનો લાભ લઇને બીમારીનો ઈલાજ કરાવવા અને તબીબની સલાહ લેવા તથા યોગ કરવા અનુરોધ કર્યો હતો. મહત્વનું છે કે નરેન્દ્ર મોદીએ ૨૦ વર્ષ પહેલાં એટલે કે ૨૪ એપ્રિલ, ૨૦૦૩ના રોજ સ્વાગત (સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી) કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેના તાજેતરમાં ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા બે દાયકામાં આ કાર્યક્રમ દ્વારા ગુજરાતના લાખો લોકોના ૯૯ ટકા પ્રશ્નનું નિરાકરણ થયું છે. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જીજ્ઞેશભાઈ પરમાર, સદસ્ય ભીખુભા જેઠવા, અજુભાઈ ગાગીયા, કિશોરભાઈ નકુમ તથા નગરપાલિકાના સ્ટાફ તેમજ અન્ય આગવાનો ઉપસ્થિત રહ્યા હતા.