ખંભાળિયા શહેરમાં લાંબા સમય બાદ રૂા.છ કરોડના જુદા જુદા વિકાસ કાર્યો પ્રગતિમાં

0

શહેરમાં વિકાસ કાર્યોના વિવિધ આયોજન માટે પાલિકા દ્વારા પ્રયાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્થિત ખંભાળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં પડતર પ્રશ્નો તથા વિકાસના કામો માટેના વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા વિવિધ ગ્રાન્ટોના વિકાસ કાર્યો પ્રગતિમાં છે. જે આગામી સમયમાં પૂર્ણ થશે. ખંભાળિયા શહેરમાં રોડ-રસ્તા, ગટર તેમજ અન્ય જરૂરી સુવિધાઓ માટે ફાળવવામાં આવેલા રૂપિયા છ કરોડના ખર્ચે જુદા જુદા તેર વિકાસકામો નગરપાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેમાં રૂા.૧.૪૪ કરોડના ખર્ચે ચાર રસ્તાથી જડેશ્વર મંદિર સુધીનો નવો સીસી રોડ બનાવવાનું કામ, રૂપિયા ૮૦ લાખના ખર્ચ બગીચા પાસે સ્વિમિંગ પૂલ બનાવવા, રૂપિયા ૪૦ લાખના ખર્ચે સુખનાથ મહાદેવના મંદિર નજીકના પૂલને નવેસરથી બનાવીને પહોળો કરવા, રૂપિયા ૮૧ લાખના ખર્ચે સુમરા તરઘડી ગામે આવેલા ડમ્પિંગ યાર્ડ પાસેની કમ્પાઉન્ડ વોલનું કામ, રૂપિયા ૩૩ લાખના ખર્ચે ટાઉન હોલ પાસે તેલી નદીનો પુલ પહોળો કરવાનું કામ, જી.ઈ.બી. કચેરી પાસે પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવા, રૂપિયા ૮૧ લાખના ખર્ચે શારદા સિનેમાથી મહાપ્રભુજીની બેઠક સુધીના સીસી રોડનું કામ, રૂપિયા ૭.૧૦ ના લાખ ખર્ચે ઘી નદીના દરવાજા રીપેરીંગનું કામ, રૂપિયા ૧૯ લાખના ખર્ચે ઘી નદીની ચેક ડેમની દિવાલ રીપેરીંગનું કામ, રૂા.૧૪ લાખના ખર્ચે ઘી ડેમ વોટર વર્ક્‌સ પાસે આવેલા ચેકડેમનું રીપેરીંગ, પોરબંદર રોડ ઉપર આવેલા સફાઈ કામદારોના પ્લોટમાં રૂપિયા ૩૨ લાખના ખર્ચે સી.સી. રોડ, ઘી ડેમ ઉપર સિવિલ વર્કનું કામ વિગેરે વિકાસ કાર્યો હાલ પ્રગતિમાં છે. ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે તાજેતરમાં આવેલા વર્ગ -૧ના અધિકારી ભરતભાઈ વ્યાસ દ્વારા પણ શહેરના વિકાસ કામો માટે આયોજનના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. શહેરમાં રસ્તા તથા લોકોને અન્ય જરૂરી સગવડોમાં વધારો થાય તે માટેના આયોજન ઉપરાંત નગરપાલિકાની આર્થિક સ્થિતિ સુધરે અને નિયમિત કરવેરાની વસુલાત માટે સ્ટાફમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. આ માટે નગરપાલિકા દ્વારા વેરા વસુલાત કાર્યવાહી કરવાની સાથે નગરપાલિકાની હાઈસ્કૂલ, ઘીડેમ વોટર વકર્સ, ફૂલવાડી વોટર વકર્સ, નગરપાલિકાનું દવાખાનું, નગર પાલિકા શોપિંગ સેન્ટર, મ્યુનિસિપલ ગાર્ડન, નગરપાલિકાની ડમ્પીંગ સાઈટ તેમજ પાલિકા વિસ્તારમાં આવતા રસ્તાઓ અને અન્ય જરૂરી સ્થળો તથા કામકાજ માટે રૂબરૂ સ્થળ મુલાકાત દ્વારા પાલિકાનો વહીવટમાં સુધરો થાય તે માટે પણ ચીફ ઓફિસર દ્વારા પ્રયાસો હાથ વધારવામાં આવ્યા છે આ ઉપરાંત ખંભાળિયા નગરપાલિકામાં ઘણા લાંબા સમયથી ખાલી રહેલી વિવિધ જગ્યાઓ ભરવા માટે પણ ચીફ ઓફીસર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આમ, ખંભાળિયા નગરપાલિકામાં વિકાસ કાર્યો તથા જરૂરી આયોજન માટે નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જીગ્નેશભાઈ પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન હિતેન્દ્રભાઈ આચાર્ય, ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા સત્તાધારી જૂથના સદસ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

error: Content is protected !!