સરકારી શાળાના શિક્ષકોએ શાળા સમય સિવાય સતત ત્રણ માસ સુધી દરરોજ બે કલાક બાળકોને કરાવેલી તૈયારી રંગ લાવી
વધુને વધુ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે તે હેતુથી મુંજકામાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ દ્વારા સંચાલિત મુંજકા શાળા નં.૨ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા સરકારી શાળામાં અપાતા ઉત્તમ પ્રાથમિક શિક્ષણ બાબતે માર્ગદર્શન આપવા માટે મુંજકા ગામની અલગ અલગ સોસાયટીઓમાં કેમ્પ યોજાયા હતા. આ શાળાના આચાર્યશ્રી એમ.એચ.સુધાગુનિયાએ જણાવ્યા અનુસાર, આ શાળાના ધો. ૬ના ૫ વિદ્યાર્થીઓએ PSE(પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા) તેમજ ધોરણ ૮ના પાંચ વિદ્યાર્થીઓએ NMMS(નેશનલ મિન્સ કમ મેરિટ) પરીક્ષા આપી હતી. જેમાં NMMSમાં ધોરણ છની વિદ્યાર્થીની નંદિની અને ચારમી મુંડિયા તેમજ ધોરણ-૮ની વિદ્યાર્થીની પિનલ પ્રતાપભાઈ રાઠવા પાસ થયા છે. જયારે પિનલે મેરીટમાં સ્થાન મેળવતાં તેને કેન્દ્ર સરકારની કુલ રૂા.૪૮૦૦૦ની શિષ્યવૃત્તિ મળશે. પિનલને આ રૂા.૪૮૦૦૦ની સહાય ધો.૯ થી ધો વધુ અભ્યાસ માટે પ્રોત્સાહન મળે અને શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ માટે ભારત સરકાર દ્વારા આ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.PSEની પરીક્ષામાં આ જ શાળાની નયના અને ચાર્મી મુંડિયા પાસ થયા હતા. ધો.૬ની પરીક્ષા સરકારી શાળા ઉપરાંત ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ પણ આપી હતી. જેમાં રાજકોટમાં શ્રી મુંજકા -૨ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સમગ્ર રાજકોટમાં ચોથા ક્રમે આવી હતી. તેને રાજય સરકાર દ્વારા રૂા.એક હજાર પ્રોત્સાહન રૂપે મળ્યા હતા. શ્રી મુજકા-૨ સરકારી પ્રાથમિક શાળાનું ઝળહળતું પરિણામ ફરી એક વખત સાબિત કરે છે કે સરકારી શાળાના વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ સામે જરા પણ ઉણા ઉતરે એમ નથી. અત્રે નોંધનીય છે કે શ્રી મુજકા – ૨ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કીરીટસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ શાળા સમય સિવાય દરરોજ બે કલાક સતત ત્રણ માસ સુધી બાળકોને આ શિષ્યવૃત્તિની પરીક્ષા માટે તૈયારી કરાવવામાં આવી હતી. આ સરકારી પ્રાથમિક શાળામાં ક્વોલિફાઇડ શિક્ષકો દ્વારા ધો. ૦૧ થી ૦૮ ના વર્ગોમાં ઉત્તમ શિક્ષણની સાથોસાથ શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓમાં જિલ્લા અને રાજ્ય કક્ષાની પરીક્ષાાઓ માટે માર્ગદર્શન આપવામાં આવે છે, જેના લીધે છાત્રો વિવિધ પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ લાવતા થયા છે. આ શાળામાં આધુનિક કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, પ્રયોગશાળા, રમત ગમતના સાધનો, વિશાળ મેદાન વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીંના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પણ તૈયારી કરાવવામાં આવે છે.