Saturday, September 23

જન્મથી જ હૃદયની ખામી ધરાવતી વિછીંયાની અવંતિકાને‘‘રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ’’હેઠળ વિનામૂલ્યે તરત સર્જરી બાદ મૂલ્યવાન આયુ પરત મળી

0

‘‘રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ’’ હેઠળ અનેક બાળકોને દીર્ઘાયુષ્યના આશીર્વાદ મળી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં આ કાર્યક્રમ હેઠળ બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરી ખર્ચની કોઇ પણ પ્રકારની મર્યાદા વગર તમામ બીમારીઓની નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. વીંછીયા તાલુકાના ઢેઢુકી ગામના વનરાજભાઇના ઘરે પણ અચાનક દુઃખદાયક પ્રિસ્થિતિ ઉભી થઇ… વનરાજભાઇ દુમડીયાની દિકરી અવંતિકા જન્મથી જ હૃદયની ખામી ધરાવતી હતી. પણ આજે અવંતિકાને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં વિનામૂલ્યે સમયસર સઘન સારવાર આપી આ ખામી દૂર કરવામાં આવી છે. વીંછીયા તાલુકાનાં ઢેઢુકી ગામના વનરાજભાઈ દુમડિયાની દીકરી અવંતિકાનો તા.૧૪-૯-૨૦૨૨ના રોજ જન્મ થયો હતો. આ બાળકીને જન્મથી જ કંઈક તકલીફ હોવાનું તેના માબાપને લાગતું હતું. અવંતિકાને પેટ ભરાવતી વખતે શ્વાસ લેવામાં તકલીફ અને પરસેવાની ફરિયાદ સાથે સબ સેન્ટર ઢેઢુકી ખાતે લઇ આવ્યા, જયાં આર.બીએ.એસ.કે. ટીમના ડો. સાગર સાંબડ અને ડો. રિપલ વીરજાએ આ બાળકીનું તારીખ તા.૨-૩-૨૦૨૩ના રોજ સ્ક્રિનિંગ કરતા હૃદયમાં ખામી જણાતા તેને પી.ડી.યુ.હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી જયાં તજજ્ઞ ડોક્ટરની ટીમ દ્વારા તેને હૃદય અને ફેફસામાં લોહી પરિભ્રમણની ખામી જણાતાં નિઃશુલ્ક સારવાર માટે રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે મોકલી અવંતિકાને સંદર્ભ કાર્ડ ભરી યુ.એન. મહેતા હોસ્પિટલ રીફર કરવામાં આવી જ્યાં નિષ્ણાંત તબીબોએ આ બાળકીને કોરોનરી હાર્ટ ડિસિઝ અને ટેટ્રોલોજી ઓફ ફેલોટ હોવાનું નિદાન કર્યું અને તાત્કાલિક સર્જરી કરવાની સલાહ આપી. સર્જરીની વાત સાંભળતા જ અવંતિકાના માતા-પિતા પર દુઃખી દુઃખી થઇ ગયા. દિકરીના જીવની ચિંતા સામે રૂપિયાની મુશ્કેલી પણ ઉભી હતી પરંતુ તેમને આર.બી.એસ.કે. કાર્યક્રમ અંતર્ગત તમામ સારવાર અને સર્જરી સરકાર દ્વારા વિના મૂલ્યે કરાવી આપવામાં આવશે, તેવી જાણકારી મળતાં તેમને હાશકારો થયો. તા.૩૦-૩-૨૦૨૩ના રોજ તજજ્ઞોની ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી, હાલ અવંતિકા એકદમ તંદુરસ્ત છે. આ સમગ્ર પ્રક્રિયામાં આર.બી.એસ.કે. ટીમ અને યુ.એન. મહેતા હોસ્પિટલના ડૉક્ટરો સતત માર્ગદર્શક અને સહાયરૂપ બન્યા તેમના પ્રત્યે અવંતિકાના પરિવારજનો આભારનો ભાવ વ્યક્ત કરે છે. આર.બી.એસ.કે. અંતર્ગત બાળકોના જન્મ સમયે પી.એચ.સી., વેલનેસ સેન્ટર, આંગણવાડી અને શાળાઓમાં પણ ડોક્ટરોની ટીમ દ્વારા બાળકોની તપાસ કરવામાં આવે છે. જેમાં જરા પણ તકલીફ જણાય તો તાત્કાલિક જરૂરી રીપોર્ટ અને બધી સુવિધાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવસે છે, અને જરૂર પડયે વધુ સારવાર માટે બાળકને હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. અમદાવાદ ઓપરેશન માટે જવા આવવાના પૈસા પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. ઘણી વાર બાળકને ગંભીર તકલીફ હોય તે માતા પિતાને સારવાર માટે જરૂરી કાઉન્સેલિંગ પણ ડોકટરો પુરૂં પાડે છે. અને માતા પિતા સાથે ત્રણથી ચાર વખત મુલાકાત કરીને પણ તેમનું બાળક તંદુરસ્ત બને તે માટે તેમને સારવાર લેવા સહમત કરે છે. રાજકોટ જિલ્લામાં આર.બી.એસ.કે.ની ૨૯ ટીમ કાર્યરત છે. દરેક ટીમમા ૧ સ્ત્રી ડોકટર,૧ પુરુષ ડોકટર, ૧ ફાર્માસિસ્ટ અને ૧ ફીમેલ હેલ્થ વર્કર દ્વારા નિર્ધારિત વિસ્તારમાં કામગીરી કરવામાં આવે છે.

error: Content is protected !!